અમદાવાદમાં ગાયની અડફેટે યુવકનું મોત, AMCના અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં નરોડા વિસ્તારમાં ગત શનિવારનાર રોજ રખડતા ઢોરની અડફેટે ટુ-વ્હીલર ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. હવે આ ઘટનામાં મૃતકના ભાઈ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ઢોર માલિક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાવ્યો છે. રખડતા ઢોરની અટફેડે મૃત્યુની ઘટનામાં પ્રથમવાર આ પ્રકારનો ગુનો AMC અને ઢોર માલિક સામે નોંધાયો છે.

શું હતો સમગ્ર મામલો?
અમદાવાદના નરોડા વિસ્તારમાં 39 વર્ષના ભાવિન પટેલ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે ડિવાઈડર કૂદીને આવેલી ગાયે તેમને અડફેટે લીધા હતા. બાઈક પરથી નીચે પડી જતા ભાવિન પટેલના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેમાં ભાવિન પટેલને બ્રેઇનમાં મલ્ટિપલ હેમરેજ થવાનાં કારણે તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ભાવિન પટેલની બે નાની દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી.

મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
હવે આ મામલે મૃતકના ભાઈ પશાંત પટેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે, ઢોર માલિકે જાહેર રોડ પર વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લઈ જિંદગી જોખમાય તેવું જાણવા છતાં ગાયને રખડતી છોડી દીધી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પણ પોતાના વિભાગને લગતી ઢોર પકડવાની કામગીરી ન કરીને ફરજમાં બેદરકારી દાખવી. જેથી મૃતકના ભાઈની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે.

ADVERTISEMENT

રાજ્યમાં રખડતા ઢોરના કારણે છાસવારે બને છે અકસ્માતની ઘટના
નોંધનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા એક ગંભીર પ્રશ્ન છે. ઘણીવાર રખડતા ઢોરના કારણે જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે. તાજેતરમાં જ રાજકોટ તથા અમદાવાદમાં પણ બે વ્યક્તિઓએ રખડતા ઢોરના કારણે અકસ્માતમાં જીવ ગુમાવી દીધો હતો. વડોદરામાં પણ એક વિદ્યાર્થીએ ગાયનું શિંગડું વાગતા પોતાની એક આંખ ગુમાવી દીધી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT