બે દિવસ પહેલા ટિકિટ માટે ફોન આવ્યાનો દાવો કરનારા ભાજપના નેતાનું નામ આજે કપાઈ ગયું
પોરબંદર: ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના વધુ 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં કુતિયાણા બેઠક પરથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે.…
ADVERTISEMENT
પોરબંદર: ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના વધુ 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં કુતિયાણા બેઠક પરથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે બે દિવસ પહેલા ભાજપના નેતા રમેશ ઓડેદરા દ્વારા તેમને પાર્ટીમાંથી ટિકિટ માટે ફોન આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આજે જાહેર થયેલા નામમાં તેમનું પત્તું કપાઈ ગયું છે.
રમેશ ઓડેદરાએ કર્યો હતો ટિકિટ માટે ફોન આવ્યાનો દાવો
રમેશ ઓડેદરા પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે કાર્યરત છે. દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ સંભવિત ઉમેદવારોને મોડી રાત્રે જ ફોન આવ્યા હતા અને તેમને ફોર્મ ભરવા માટે તૈયાર રહેવા કહેવાયું હતું. જેમાં રમેશ ઓડેદરા દ્વારા પણ કુતિયાણા બેઠકની ટિકિટ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ અંગે તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. પરંતુ રાતો રાત તેમનું નામ યાદીમાંથી ગાયબ થઈ ગયું અને પાલિકા પ્રમુખનું નામ આવી ગયું. ત્યારે હવે જોવાનું રહેશે કે ફોન આવ્યા બાદ ટિકિટ કપાઈ જતા આગામી સમયમાં રમેશ ઓડેદરા આ મામલે શું નિર્ણય લેશે.
કુતિયાણા બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને NCP વચ્ચે ટક્કર
કુતિયાણા બેઠકની વાત કરીએ તો 2017માં આ બેઠક NCPના ફાળે ગઈ હતી. કાંધલ જાડેજા અહીંથી સીટિંગ MLA છે. કોંગ્રેસ અને NCP વચ્ચે ગઈકાલે જ ગઠબંધન થયું હતું, જેમાં 3 બેઠકો પરથી NCP ચૂંટણી લડશે. આ સિવાય અન્ય બેઠકો પરથી તે પોતાના ઉમેદવારોને મેન્ડેટ નહીં આપે તેમ કહ્યું હતું. જોકે તેમ છતાં પક્ષના આદેશથી ઉપર જઈ કાંધલ જાડેજાએ ગઈકાલે કુતિયાણા બેઠક પરથી ફોર્મ ભરી દીધું છે. જ્યારે કોંગ્રેસે નાથા જાડેજાને ટિકિટ આપી છે.
ADVERTISEMENT
ભાજપે પહેલી યાદીમાં 38 ધારાસભ્યોના નામ કાપ્યા
નોંધનીય છે કે, આ પહેલા ભાજપના ઘણા એવા નેતાઓ છે જેમની ટિકિટ કપાઈ ગઈ છે. ભાજપે પહેલી યાદીમાં 38 ધારાસભ્યોના નામ કાપી નાખ્યા હતા. જેના કારણે ભાજપમાં ભારે અસંતોષ સામે આવી રહ્યો છે. ગઈકાલે જ સૌરભ પટેલની ટિકિટ કપાતા બોટાદમાં ભાજપના કાર્યકરોએ કાર્યાલય ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો અને 500 કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હતા. ભાવનગરમાં પણ આવી જ રીતે 100 જેટલા કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા.
(વિથ ઈનપુટ: અજય શિલુ)
ADVERTISEMENT
ADVERTISEMENT