વિધાનસભા ચૂંટણી પૂર્ણ થતાં જ પ્રદેશ ભાજપ એકશન મોડમાં, મહીસાગર જિલ્લાના નેતાઓને આવ્યું તેડું

ADVERTISEMENT

gujarattak
social share
google news
વીરેન જોશી, મહીસાગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપ સહિત તમામ પક્ષમાં ટિકિટને લઈ નારાજગી જોવા મળી હતી. આ દરમિયાન મહીસાગર  જિલ્લાના  ત્રણ વિધાનસભા બેઠક માટે  પક્ષ વિરોધી કૃત્ય કરનાર ભાજપના હોદેદારોને પ્રદેશ ભાજપમાંથી તેડું આવતા પક્ષ હોદેદારો પહોંચ્યા કમલમ.  મહીસાગર જિલ્લા ત્રણ વિધાનસભા બેઠક બાલાસિનોર, સંતરામપુર અને લુણાવાડા બેઠક માટે પક્ષ વિરોધી કૃત્ય કરેલ 20 થી વધુ ભાજપના જિલ્લાના હોદેદારોને કમલમ ખાતે બોલાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાની ત્રણ બેઠક માંથી બે બેઠક બાલાસિનોર અને સંતરામપુર બેઠક પર ભાજપનો વિજય થયો છે.  જ્યારે લુણાવાડા બેઠક  કૉંગ્રેસનો વિજય થયો છે. લુણાવાડા બેઠક પર ભાજપ છોડી ભાજપના મહીસાગર જિલ્લાના પૂર્વ પ્રમુખ જે પી પટેલે અપક્ષ ઉમેદવારી કરતા ભાજપને 2002 બાદ 2019ની પેટા ચૂંટણીમાં મળેલ લુણાવાડા બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે
46 થી વધુ હોદેદારો અને કાર્યકરોને  સસ્પેન્ડ કરવામાં આવ્યા  
લુણાવાડાના અપક્ષ ઉમેદવાર જે પી પટેલને જાહેરમાં મદદ કરનાર ભાજપના 46 થી વધુ હોદેદારો અને કાર્યકરોને  પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવા બદલ અગાઉ ભાજપ પક્ષમાંથી  સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લાના ભાજપના જે હોદેદારો છે કે જેમણે પક્ષમાં રહી  અંદરખાને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે તેવા  આક્ષેપ જે તે વિધાનસભાના આગેવાનો તેમજ હારેલા ઉમેદવાર દ્વારા કરવામાં આવતા આવા 20 થી વધુ હોદ્દેદાર ને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાંભળવા માટે આજે કમલમ ખાતે બોલવામાં આવ્યા છે.
સાંસદને પણ દિલ્હીનું તેડું? 
પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડને પણ દિલ્હી ખાતે બોલવી પક્ષ વિરોધી કાર્ય બાબતે ખુલાસો માંગ્યો હોવાની ચર્ચા જાગી છે. સમગ્ર મહીસાગર જિલ્લામાં તેમજ જિલ્લા ભાજપમાં  ચર્ચાનો મુદ્દો બનતા જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.
શિસ્ત સમિતિ ખુલાસાઓ માંગશે.
ગુજરાત તકે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા સાથે આ બાબતે સંપર્ક કરતા તેમણે આ બાબતને સમર્થન આપ્યું હતું અને તેમના પ્રતિનિધિ એ ટેલિફોનિક માહિતી આપી હતી જેમાં જણાવ્યું હતું કે  લુણાવાડામાં 7, બાલાસિનોર માં 4 અને સંતરામપુર માં 11 મળી કુલ 22 હોદેદારો અને કાર્યકરોને શિસ્ત સમિતિના પ્રદેશના નેતા વલ્લભ કાકડીયા સમક્ષ ઉપસ્થિત રહી ખુલાસો લેવામાં આવશે. પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં આક્ષેપિત નેતાઓને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમનું તેડું આવ્યું છે. શિસ્ત સમિતિ વિધાનસભા ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બાબતે થયેલા આક્ષેપો અંગે ખુલાસાઓ માંગશે.
ભાજપમાં ફફડાટ
વિધાનસભા ચુંટણીમાં ટિકીટ વહેંચણીમાં  પક્ષથી નારાજ થયેલા નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાના આક્ષેપો અને રજૂઆતો અંગે શિસ્ત સમિતિએ કામગીરી શરૂ કરી છે. ત્યારે આજે મહીસાગર જીલ્લાની ત્રણ વિધાનસભા વિસ્તારના વીસથી વધુ અગ્રણી નેતાઓને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્નું તેડું આવતા જિલ્લા ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.

 આ પણ વાંચો: સરકાર સામે ફરી એક આંદોલનની શરૂઆત, LRD 2022 ના ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં નાખ્યા ધામા

આ નેતાઓને આવ્યું પ્રદેશનું તેડું
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાની જીત મેળવેલી બે વિધાનસભા બેઠકો જેમાં બાલાસિનોર વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક, જિલ્લા મહામંત્રી જયેન્દ્ર બારોટ, તાલુકા મહામંત્રી નવનીત પટેલ તેમજ સંતરામપુર વિધાનસભા બેઠક પર પૂર્વ કડાણા તાલુકા પંચાયત પ્રમુખ વાઘાભાઈ  કાળુભાઇ ડામોર, પૂર્વ યુવા મોરચા પ્રમુખ રણછોડ ડામોર  સહિત 14 જેટલા અગ્રણીઓને કમલમ ખાતે ખુલાસા માટે બોલાવવામાં આવ્યા છે.  તો 17  વર્ષ બાદ પેટાચુંટણીમાં ભાજપે કબજે કરેલ લુણાવાડા વિધાનસભા બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે તે બેઠક પર ગત ચુંટણીના ઉમેદવાર મનોજ પટેલ,પૂર્વ ધારાસભ્યના પુત્ર ગજેન્દ્ર માલીવાડ, યુવા મોરચા મહામંત્રી જયદેવસિંહ સોલંકી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સંજય બારિયા,ડેરી ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ, હસમુખ પટેલ સહિતના આગેવાનોની  પક્ષ વિરોધી કૃત્યની રજૂઆતો અંગે ખુલાસાઓ માંગવા બોલાવ્યા હોવાની ચર્ચાએ જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT