રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીના કારણે માસૂમ બાળકીએ ગુમાવ્યો જીવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શીશાંગીયા , રાજકોટ:  રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદના ચકડોળે ચડી છે. કારણ કે સિવિલ હૉસ્પિટલમાં વધુ એક વખત લાલિયાવાડી સામે આવી છે. સિવિલની બેદરકારીના કારણે એક નિર્દોષ બાળકીએ પોતાનો જીવ ગૂમાવ્યો છે. પરિવાર પર અણધારી આફતના કારણે દુઃખના પહાડ તૂટી પડ્યા છે. વ્હાલસોયીનું મૃત્યુ થવું એ પણ સપનેય વિચાર્યું ન હોય એવી રીતે તો આ અસહ્ય પીડામાં પરિવાર અત્યારે છે.

સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ જ્યાં સારવાર માટે આવે છે એવી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં થેલેસેમિક બાળકો માટે રિએક્શન સેન્ટર બન્યું છે. પણ હૉસ્પિટલ પ્રશાસનની લાલિયાવાડી અને તબીબોની ભૂલના કારણે માસૂમ બાળકીનું મૃત્યુ થયું છે. સોમવારે વહેરી સવારે વિધિ પીઠવા નામની બાળકીને બ્લડ ચઢાવવામાં આવ્યું. આ રક્ત ચઢાવ્યા બાદ બાળકીના શરીરે ચાઠા પડવા લાગ્યા. અને રમિયાન LR ના બદલે Rcc લોહી ચડાવતા રીએકશન આવતા તેનું મોત થયું છે. લોહી ચઢાવવા દરમિયાન પણ બાળકીના પરિવારજનોને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા હતા. તો  ચડાવ્યા બાદ યુવતીને રિએક્શન આવતા તેનું મૃત્યુ નિપજ્યું છે.

થેલેસેમિક બાળકીનું મૃત્યુ
યુવતીના પિતાએ આ અંગે કહ્યું કે, અમને હોસ્પિટલમાંથી 3 બોટલ લોહી આપ્યુ હતું, જે અમે ચઢાવ્યુ હતું. તેના બાદ વિધિના શરીર પર ચકામા પડ્યા હતા. પહેલા તો અમને આ વાત સામાન્ય લાગી હતી. પરંતુ સાંજ સુધીમાં તેના શરીર પર ચાંદા પડવા લાગ્યા. ડોક્ટરે કહ્યુ કે આ રિએક્શન છે. અમે આટલા સમયથી લોહી ચઢાવતા હતા, પરંતું દીકરીને આટલી હદે ક્યારેય રિએક્શન આવ્યુ ન હતું. બે ત્રણ દિવસથી બ્લડ ચડાવાતુ હતું, તો ઘણા પેશન્ટ્સને આવો પ્રોબ્લમ આવતો હતો કે રિએક્શન આવે છે.

ADVERTISEMENT

બાળકીના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ
સિવિલ હૉસ્પિટલમાં થેલેસેમિક બાળકો માટે બનેલા રિએક્શન સેન્ટર આ પ્રકારની ગંભીર બેદરકારીના કારણે ખળભળાટ મચ્યો છે. લોહી ચઢાવ્યા બાદ બાળકીને રિએક્શન આવ્યુ હતું. બાળકીનું સારવારમાં જ અવસાન થતા પીઠવા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

બાળકીના પરિવારજનોનો હૉસ્પિટલ પર આરોપ
વ્હાલસોયીના મૃત્યુથી પરિવારજનો શોકમાં છે. ત્યારે પરિવારજનોએ બાળકીના મૃત્યુ પાછળ હૉસ્પિટલને અને તબીબોને ભૂલને જવાબદાર ગણાવી છે. પરિવારજનોનું કહેવું છે કે, LR ફિલ્ટર વગરનું બ્લડ ચડાવી દેવાતા જ બાળકીનું મૃત્યુ થયું છે. કારણ કે બાળકીને લોહી ચઢાવ્યા બાદ શરીર પર ચાઠા પડી ગયા હતા જે લાલ થઈ ગયા હતા. હૉસ્પિટલની બેદરકારી તો એટલી કે મૃત્યુ થયા બાદ પણ લોહી બદલ્યું નથી. થેલેસિમિયાગ્રસ્ત દર્દીઓને LR ફિલ્ટર વાળુ બ્લડ ચઢાવવાનું હોય છે. અને રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં ફિલ્ટર કરેલા LR બ્લડને બદલે RCC બ્લડ ચડાવવામાં આવે છે. એક રીતે કહીએ તો દર્દીઓના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે.

ADVERTISEMENT

સિવિલના સુપ્રિટેન્ડન્ટનો લૂલો બચાવ
રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકીના મૃત્યુ પર પરિવારજનોએ કરેલા આક્ષેપ મામલે સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે તપાસ સમિતિની રચના કરી છે. મશીનરીના અભાવના કારણે આ ઘટના બની નથી. અમે LR મશીનરીની સરકાર માંગ કરી છે. યુવતીનું મૃત્યુ રિએક્શનના કારણે થયું નથી. તેમ છતાં તપાસ સમિતિ યોગ્ય તપાસ કરશે.  હવે સવાલ એ છે કે એક તરફ રાધેશ્યામભાઈ કહી રહ્યાં છે કે મશીનરીની કમી નથી અને બીજી તરફ કહે છે કે સરકાર પાસે માગ કરી છે. બીજી વાત એ કે, તપાસ સમિતીની રચના કરશે પણ આજ સુધી તો કોઈ તપાસ સમિતીનો અહેવાલ તત્કાલ આવ્યો હોય અને જવાબદારો સામે પગલા લેવાયા હોય એવું બન્યું નથી.

ADVERTISEMENT

સિવિલ હૉસ્પિટલ કરે છે નિયમોનો ઉલાળ્યો
થેલેસિમિયા દર્દીને ચડાવાતા લોહીમાં મશીન મારફત લાલ રક્તકણો અલગ કરી દેવાય છે. આ LR લોહી બાદમાં થેલેસેમિક દર્દીઓને અપાય છે જેથી રિએક્શન ન આવે. જોકે, આ આજે સામે આવેલા કિસ્સા પરથી એવું લાગી રહ્યું છે કે રાજકોટ સિવિલ હૉસ્પિટલ જ નિયમનો ભંગ કરી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેના માટે ખાસ મશીનની જરૂર પડે અને તેનો ખર્ચ મોટો હોવાથી સરકારમાં મંજૂરી માગી છે. ત્યારે સવાલ એ થાય છે કે દર્દીના જીવ બચાવવાની પ્રતિજ્ઞા લેનાર તેના જીવન સાથે કેમ ચેડા કરે છે. ? બાળકીના મૃત્યુ માટે જવાબદાર કોણ ? કારણ કે અહીં તો કોઈ જવાબદારી લેનાર જ નથી. દરેક વ્યક્તિ હાથ ઉઁચા કરીને જતા રહે છે. તો દર્દીના જીવન સાથે રમવાનો અધિકારી હૉસ્પિટલ અને તબીબોને કોણે આપ્યો ? જો સરકારી હૉસ્પિટલમાં જ આવી બેદરકારી રહેશે હંમેશા તો સારવાર કરવવા માટે આવશે કોણ ? અને ખૂબ મહત્વપૂર્ણ સવાલ એ કે દરેક વખતે આવી ઘટનાઓ બનતી હોય છે કોઈ પરિવારજનોને ન્યાય ભાગ્યે જ મળતો હોય છે. ત્યારે આ બાળકીના પરિવારને ન્યાય ક્યારે મળશે ?

    follow whatsapp

    ADVERTISEMENT