અમદાવાદઃ કેનેડાના નકલી વિઝા બનાવી લોકોને છેતરતી હતી આ ટોળકી, નરોડાથી ATSએ ઝડપ્યું રેકેટ
અમદાવાદઃ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ પ્લાઝા કોમ્પલેક્ક્ષમાં ઓફિસ રાખીને એક ટોળકી કેનેડાના નકલી વિઝા બનાવી લોકોને ચુનો લગાવતી હોવાની વિગતો ગુજરાત એટીએસના ધ્યાને આવી…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ પ્લાઝા કોમ્પલેક્ક્ષમાં ઓફિસ રાખીને એક ટોળકી કેનેડાના નકલી વિઝા બનાવી લોકોને ચુનો લગાવતી હોવાની વિગતો ગુજરાત એટીએસના ધ્યાને આવી હતી. એટીએસ દ્વારા તેની ખરાઈ કર્યા પછી આ ઠગ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસને તેમની પાસેથી પાંચ પાસપોર્ટ પણ મળી આવ્યા છે જેમાં કેનેડાના વિઝાની એપ્લીકેશન રદ થઈ હોવા છતા વિઝા એપ્રુવ બતાવ્યા હતા. આવો જાણીએ આ ટોળકી કેવી રીતે લોકોને છેતરતી હતી કે જેથી ક્યારેય આપણા કોઈ આવા ટોળાને મળે તો તેમને યોગ્ય સલાહ આપી શકાય.
ગુજરાતીઓને વિદેશ જવાની ગેલછાનો ઉઠાવાય છે ફાયદો
ઉલ્લેખનીય છે કે ગુજરાતીઓની વિદેશ જવાની ગેલછા જગજાહેર છે અને તેના માટે કાંઈપણ કરવા માટે પણ તૈયાર હોય છે તેનો તાજેતરમાં જ એક ઘટના રૂપે પુરાવો મળ્યો જ્યાં અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા એક ગુજરાતી પરિવાર આખું ઠંડીમાં થીજી ગયું હતું. આવા તો ઘણાય બનાવો છે જેમાં લોકોએ યાતના ભોગવીને પણ વિદેશ જવાની ગેલછા છોડી નથી જેનો ફાયદો આવી ઠગ ટોળકીઓ ઉઠાવતી હોય છે.
નકલી મેઈલ આઈડીથી કન્ફર્મેશનનો મેઈલ પણ મોકલતા
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ પ્લાઝા નામના કોમ્પલેક્ષમાં પ્રથમ માળે 111 નંબરની દુકાનમાં એરવે હોલીડે નામની ઓફિસ ચલાવતો નિલેશ પંડ્યા નામનો એજન્ટ તેના સાગરિતો સાથે મળીને વિદેશ જવા માટેના ખોટા વિઝા બનાવી આપે છે તેવી માહિતી ગુજરાત એટીએસ સામે આવી. વિદેશના નકલી વિઝા અંગે સાંભળતા જ એટીએસ તુરંત એક્શનમાં આવી અને તાત્કાલીક ધોરણે માહિતીની ખરાઈ કરી આ દુકાન પર રેડ કરી હતી. પોલીસની રેડ થતાં ત્યાં ચાર શખ્સો હાજર મળી આવ્યા હતા. પોલીસને તેમની પાસેથી પાંચ પાસપોર્ટ પણ મળી આવ્યા હતા. જે પાસપોર્ટમાં કેનેડાના વિઝા મળ્યા હોવાનું જણાતું ન હતું જેની ખરાઈ કરવા માટે કેનેડા સરકારની GCKEY ગવર્મેન્ટ ઓફ કેનેડા કી (KEY) મારફતે ખરાઈ કરતા ઉપરોક્ટ પાંચેય પાસપોર્ટ ધારકની વિઝાની એપ્લીકેશન રદ કરી દેવાઈ હોવા છતાં નિલેશ પંડ્યા અને તેના સાગરિતોએ ક્લાઈન્ટને કેનેડાના વિઝા અપ્રુવ થયા હોવાનો નકલી ઈ-મેઈલ તેમના ઈ-મેઈલ આઈડી પર મોકલ્યો હતો.
ADVERTISEMENT
ગુજરાત ATSએ અમદાવાદમાંથી ઝડપ્યું નકલી વિઝાનું કૌભાંડ: નવા નરોડા પાસેથી 5 પાસપોર્ટ સહિત ચાર વ્યક્તિઓની કરી ધરપકડ, કેનેડા મોકલવા માટે બનાવતા નકલી વિઝા#GujaratATS #Ahmedabad #fakevisaracket pic.twitter.com/RYVaUKS12a
— Gujarat Tak (@GujaratTak) October 21, 2022
કેનેડાના વિઝાના સ્ટીકર પણ નકલી
આ શખ્સો દ્વારા માત્ર નકલી ઈમેઈલ જ નહીં પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું કે તેઓ કેનેડાના વિઝાના સ્ટીકર પણ પોતાની જાતે બનાવડાવી પાસપોર્ટમાં ચોંટાડી દેતા હતા. આમ ખોટા વિઝાને સાચા દર્શાવવામાં જાણે આ લોકો પારંગત હતા. એટલું જીણવટ ભર્યું કામ કે યોગ્ય જાણકારી ન ધરાવતો માણસ તો સાવ છેતરાઈ જ જાય. આમ આવી રીતે તે ટોળકી લોકોને છેતરતી હતી. જોકે ગુજરાત એટીએસની ત્વરિત કામગીરીને પગલે તમામ શખ્સો સામે ગુનો નોંધાઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોણ કોણ પકડાયું, નિલેશનો ગુનાહિત ઈતિહાસ પણ છે
એટીએસએ આ મામલામાં અમદાવાદના નરોડા વિસ્તાર પાસેના હરિદર્શન ચાર રસ્તા નજીક આવેલા રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા નીલેશ હસમુખ પંડ્યા, અહીં નરોડા નિકોલ રોડ પર આવેલી અષ્ટમંગલ રેસીડેન્સીમાં રહેતો જય મહેશ ત્રિવેદી ઉપરાંત ખેડાના માતર તાલુકાના બામણ ગામના મયુરકુમાર પ્રવિણ પંચાલ અને અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી કમલાપાર્ક સોસાયટીમાં રહેતા પીયુષ પરષોત્તમદાસ પટેલની અટકાયત કરી લીધી છે. આ આરોપીઓ પૈકીનો નીલેશ ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. તે અગાઉ કાલુપુરમાં નકલી ચલણી નોટોના ગુનામાં 5 વર્ષની સજા પુરી કરી ચુક્યો છે. આ ઉપરાંત વર્ષ 2012માં રાજસ્થાનમાં નનકલી વિઝા કેસ જેમાં પીયુષ પટેલ પણ તેની સાથે હતો, એલીસબ્રીજમાં નકલી વિઝા કેસ અને વર્ષ 2016માં નરોડા પોલીસ મથકમાં જ નકલી ટુરિસ્ટ વિઝા કેસ પણ તેની સામે નોંધાઈ ચુક્યા હતા. આ ઉપરાંત તાજેતરમાં વર્ષ 2019માં પણ તેના સામે વડોદરામાં નકલી પાસપોર્ટનો ગુનો નોંધાઈ ચુક્યો છે.
ADVERTISEMENT
(Urvish Patel)
ADVERTISEMENT
ADVERTISEMENT