વડોદરામાં વધુ એક બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, દિવાલ સાથે કાર અથડાતા ચાલકનું મોત, અન્ય વ્યક્તિ ગંભીર
વડોદરા: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોતની ઘટના હજુ લોકો ભૂલી શક્યા નથી. છતા મોડી રાત્રે રોડ પર બેફામ કાર હંકાવનારા ચાલકો…
ADVERTISEMENT
વડોદરા: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોતની ઘટના હજુ લોકો ભૂલી શક્યા નથી. છતા મોડી રાત્રે રોડ પર બેફામ કાર હંકાવનારા ચાલકો હજુ સુધરતા નથી. વડોદરામાં પંડ્યા બ્રિજ પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરીની દિવાલ સાથે પૂરપાટ આવતી કાર ધડાકાભેર અથડાઈ હતી, જેમાં દિવાલ ધરશાયી થઈ ગઈ તો કારના બોનેટના ભાગનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ગઈ છે.
વિગતો મુજબ, વડોદરાના હરણી એરપોર્ટ સામે આવેલી ગોકુલ વાટિકામાં રહેતા અર્જુનસિંહ ઠાકુર અને ગુંજન સ્વામી કાર લઈને પંડ્યા બ્રિજ તરફ ફુલ સ્પીડમાં ઘરે જઈ રહ્યા હતા. પંડ્યા બ્રિજ તરફથી ઘરે જતા ગુંજન સ્વામી કાર ચલાવી રહ્યો હતો. બ્રિજથી ઉતરતા જ 50 મીટરના અંતરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીની કમ્પાઉન્ડ વોલ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારને નુકસાન થવા સાથે દિવાલ પણ પડી ગઈ હતી. મધરાત્રે બનેલા અકસ્માતમાં રોડ પરથી નીકળતા રાહદારી મદદે દોડી આવ્યા હતા અને બંનેને કારમાંથી કાઢીને હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન ગુંજન સ્વામીનું મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માતમાં આશાસ્પદ યુવકના નિધનના કારણે સોસાયટીના રહીશોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ બનાવ અંગે ફતેહગંજ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પણ મોડી રાત્રે ફૂલ સ્પીડમાં જતી જગુઆર કાર જેને તથ્ય ચલાવી રહ્યો હતો તેણે લોકોને અડફેટે લીધા હતા. જેમાં 9 લોકોના મોત થઈ ગયા અને 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. જે બાદ પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી અને શહેરભરમાં મોડી રાત્રે બહાર નીકળતા લોકોને અટકાવીને ડ્રિંક એન્ડ ડ્રાઈવની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT