બે દાયકાથી સત્તા વિહોણી રહેનાર કોંગ્રેસનો વોટશેર 30 ટકાથી ઓછો નથી થયો, 2022માં આપ કરશે અસર?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિકેત સંઘાણી, અમદાવાદ: વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. આ વિધાનસભાની ચૂંટણીમાં બહુપક્ષીય જંગ જામશે. આરોપ પ્રત્યારોપની રાજનીતિ વેગ પકડશે. અનેક રાજકીય સમીકરણો બદલાશે. ગુજરાતના પ્રવાસે દિગ્ગજ નેતાઓનો કાફલો ઉતરશે અને સભાઓ ગજાવશે. આ બધા વચ્ચે 1990થી 2017ની ચૂંટણી પર નજર કરવામાં આવે તો ક્યારે પણ કોંગ્રેસનો વોટશેર 30 ટકાથી ઓછા નથી થયા અને ભાજપ ક્યારે પણ 127થી વધુ બેઠક મેળવી શક્યું નથી.

વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM, BTP, શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, NCP સહિત હજુ અનેક પક્ષો ચૂંટણીના રણ મેદાને ઉતરશે. આ ચૂંટણીમાં બહુપક્ષીય જંગ જામશે. આ બધા વચ્ચે 182 ઉમેદવાર જ વિધાનસભાના સભ્ય બનશે અને બાકીના નેતાઓને જનતા ઘરનો રસ્તો બતાવશે. આ ચૂંટણીના જંગ સાથે છેલ્લા 22 વર્ષના ચૂંટણી પરિણામ પર નજર કરવામાં આવે તો 182 માંથી ભાજપ 130થી વધુ બેઠક એક પણ વખત મેળવી શક્યું નથી. 149 વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ સર્જનાર કોંગ્રેસ છેલ્લા બે દાયકાથી સત્તા પર આવવાના પ્રયાસો કરી રહી છે. છેલ્લા 22 વર્ષની ચૂંટણી પર નજર કરવામાં આવે તો કોંગ્રેસનો વોટશેર 30 ટકાથી ઘટ્યો નથી.

વર્ષ 1990થી 2017ની ચૂંટણી પર નજર કરવામાં આવે તો  જનતા દળ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો રા.જ.પા  અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલનો જી.પી.પી. આ બધા પક્ષ મેદાને ઉતરી અને કોંગ્રેસની વોટ બેંક પર જ ત્રાટક્યા પરંતુ હજુ પણ એક પેઢી એવી છે જે કોંગ્રેસની વોટબઁક છે. જોકે આમ આદમી પાર્ટી અન્ય પક્ષોથી અલગ તરી આવે છે. આ ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી કેટલી અસર કરશે તે તો જનાદેશમાં જ જાણી શકાશે.

ADVERTISEMENT

વર્ષે 1990ની ચૂંટણી
વર્ષ 1990ની ચૂંટણી પહેલા ગુજરાતમાં 1985ની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીની રણનીતિ ચાલી હતી અને 182માંથી 149 બેઠક પર કોંગ્રેસ વિજેતા થઈ હતી પરંતુ ત્યાર બાદ કોંગ્રેસની પડતી શરૂ થવા લાગી. વર્ષ 1990ની ચૂંટણીમાં કુલ અપક્ષ સહિત 26 પક્ષ ચૂંટણીના રણ મેદાને હતા. જેમાં જનતા દળનો જાદુ જોવા મળ્યો હતો. જનતા દળને 70 બેઠક મળી હતી. ભાજપને 67 બેઠક. કોંગ્રેસને 33 બેઠક, યુવા વિકાસ પાર્ટી ને 1 બેઠક મળી હતી. જ્યારે અપક્ષને 11 બેઠક મળી હતી. કોંગ્રેસ 149 બેઠકમાંથી 33 બેઠક પર આવી ચૂકી હતી છતા કોંગ્રેસનો વોટશેર 30.74 ટકા હતો, ભાજપનો વોટશેર 20.69 ટકા હતો અને જનતા દળનો વોટશેર 29.36 ટકા હતો.

વર્ષ 1995ની ચૂંટણી 
વર્ષ 1995ની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપને 121 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને 45 બેઠક અને અપક્ષ 16 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા આ ચૂંટણીમાં ભાજપના 42.51 ટકા વોટશેર હતો. જ્યારે કોંગ્રેસના 32.86 ટકા વોટશેર હતા અને અપક્ષ 18.71 ટકા વૉટશેર હતા. આમ 10 ટકા જેટલા ફેરફારમાંજ ભાજપ અને કોંગ્રેસની બેઠકમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 27 પક્ષ મેદાને હતા.

ADVERTISEMENT

વર્ષ 1998ની ચૂંટણી
વર્ષ 1998ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 19 પક્ષ ચુંટણીના મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 117 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. જ્યારે 53 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. જનતા દળના 4 ઉમેદવાર ઓલ ઈન્ડિયા રાજપાના 4 ઉમેદવાર વિજેતા થયા હતા. આ સાથે અપક્ષના 3 ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીનો એક ઉમેદવાર વિજેતા થયો હતો. ભાજપના 44.81 ટકા વોટશેર મળ્યો હતો. જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસનો વોટશેર 34.85 ટકા રહ્યો હતો. શંકરસિંહ વાઘેલાના રાજપા મોરચાનો વોટશેર 11.68 ટકા રહ્યો હતો. જનતા દળનો વોટશેર 2.63 ટકા અને અપક્ષનો વૉટશેર 5.24 ટકા રહ્યો હતો.

ADVERTISEMENT

2002ની ચૂંટણી
વર્ષ 2022ની ચુંટણીમાં અપક્ષ સહિત કુલ 21 પક્ષ મેદાને હતા. જેમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ બેઠક એટલે કે 127 બેઠક મળી હતી. કોંગ્રેસને 51 બેઠક અને જનતા દળને તથા અપક્ષને 2-2 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં જો વોટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટશેર 50 ટકા નજીક રહ્યો હતો. ભાજપનો વોટશેર 49.85 ટકા રહ્યો હતો. જ્યારે કોંગ્રેસનો વોટશેર 39.28 ટકા રહ્યો હતો. અને અપક્ષનો વોટશેર 5.72 ટકા રહ્યો હતો.

2007ની ચૂંટણી
આ ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 40 રાજકીય પક્ષો ચૂંટણીની જંગ લડ્યા હતા. જેમાંથી ભાજપને 117, કોંગ્રેસને 59, એનસીપીને 3 બેઠક, અપક્ષને 2 બેઠક તથા જેડીયુને 1 બેઠક મળી હતી. વોટશેરની જો વાત કરવામાં આવે તો ભાજપ ફરી 50 ટકા નજીક રહી હતી એટલે  કે ભાજપનો વોટશેર 49.12 ટકા હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર 38 ટકા હતો.

2012ની ચૂંટણી
આ ચુંટણીમાં અપક્ષ સહિત કુલ 40 પક્ષ મેદાને હતા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપને 115 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને 61 બેઠક મળી હતી, સ્વ. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને 2 બેઠક મળી હતી. એનસીપીને 2 તથા જેડીયુ અને અપક્ષને 1-1 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં જો વોટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટશેર 47.85 ટકા રહ્યો હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર 38.93 ટકા, જીપીપીનો વોટશેર 3.63 ટકા અને અપક્ષનો 5.83 ટકા વોટશેર રહ્યો હતો .

2017ની ચૂંટણી
ગુજરાત વિધાનસભાની વર્ષે 2017ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 67 રાજકીય પક્ષો ચુંટણીના મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપને 99 બેઠકો મળી હતી, કોંગ્રેસને 77 બેઠકો, બિટીપીને 2 બેઠક, એનસીપીને 1 બેઠક અને અપક્ષને 3 બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં જો વોટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટશેર 49.1 ટકા હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર 41.4 ટકા હતો જ્યારે અપક્ષનો વોટશેર 4.3 ટકા હતો.

આમ છેલ્લા 22 વર્ષની વાત કરવામાં આવે તો ભાજપને 127થી વધુ બેઠક નથી મળી અને બે દાયકાથી  સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસનો વોટશેર ક્યારે પણ 30 ટકાથી નીચે નથી ગયો. 1990થી કોંગ્રેસના વોટશેરમાં સતત વધારો થઈ રહ્યો છે. એમ પણ કહી શકાય કે, કોંગ્રેસ પાસે એક ચોક્કસ મતદાર વર્ગ છે અને જે સતત વધી રહ્યો છે. વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી પડકાર છે ત્યારે કોંગ્રેસના મતદાર હવે કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરશે કે કોંગ્રેસ તરફી રહેશે તે ચુંટણીના પરિણામમાં જ ખબર પડશે.

    follow whatsapp

    ADVERTISEMENT