જીયાનો બ્લુ કલરનો ડ્રેસ દેખાયો અને હું જીવની પરવાહ કર્યા વગર કુદી પડ્યોં
કામિની આચાર્ય/મહેસાણા : વિસનગરમાં ભૂગર્ભ ગટરમાં ગરકાવ જીયાને બચાવવા વહીવટી તંત્ર કામે લાગ્યું હતું ત્યારે વિસનગર એપીએમસીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિનાયક ભીલ અને તેના…
ADVERTISEMENT
કામિની આચાર્ય/મહેસાણા : વિસનગરમાં ભૂગર્ભ ગટરમાં ગરકાવ જીયાને બચાવવા વહીવટી તંત્ર કામે લાગ્યું હતું ત્યારે વિસનગર એપીએમસીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિનાયક ભીલ અને તેના સાથી વિજયે જીવના જોખમે ભૂગર્ભ ગટરમાં ઉતરીને ઉંધા માથે પડેલી જીયાને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે તેમને રંજ છે કે, જીયાને બચાવી ન શક્યા. તેઓ પોતાનો જીવ રેડીને બાળકીને બહાર તો કાઢી પરંતુ તે બચી ન શકી તેનો તેમને ખુબ જ વસવસો છે.
મિત્ર સાથે ઘરે જતા સમયે ટોળું જોયું અને ઉભો રહ્યો
ભૂગર્ભ ગટરની આસપાસ જેસીબીથી રોડ તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે સમયે નોકરી પરથી છૂટીને ઘર તરફ જઈ રહેલા વિનાયક રમેશભાઈ ભીલ અને તેનો મિત્ર વિજય જગદીશભાઈ ભેગા થયેલા ટોળાને જોઈને અહીં ઊભા રહી ગયા હતા. વિનાયક ભીલે આ અંગે કહ્યું કે, આશરે સાડા પાંચ વાગ્યે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ભૂગર્ભ ગટરમાંથી કિશોરીને બહાર કાઢવા ઘણા બધા બધા લોકો મહેનત કરી રહ્યા હતા. તે સમયે કિશોરીને બચાવવાના નિર્ણય સાથે હું મારા મિત્ર સાથે ગટરમાં ઉતર્યો હતો.
ગટરના ગંદા પાણીમાં બ્લુ કલર દેખાયો અને હું જીવની પરવાહ કર્યા વગર કુદી પડ્યો
પાંચથી સાત ફૂટ અંદર પહોંચ્યા ત્યારે ગંદો કચરો ખૂબ જ ફસાયેલો હતો આ ઉપરાંત દુર્ગંધ પણ ખુબ જ આવી રહી હતી. કચરો દુર કરતા જ બ્લુ રંગ દેખાતા મનમાં થોડી આશા જાગી હતી. જેથી બદબુ અને ગંદકીથી ખદબદતા કચરાનો વિચાર કર્યા વગર હું પાણીમાં ઉતરી ગયો હતો. નજીક જતા જ ચહેરો નીચે અને બંને પગ ઉપરની હાલતમાં ઊંધા માથે પડેલી કિશોરી દેખાઇ હતી. તત્કાલ તેના પગ પકડીને મે તેને ખેંચી લીધી હતી. પહેલાથી જ બહાર ઉભેલી 108 સુધી તેને લઇ ગયો હતો. તેને એમ્બ્યુલન્સ સુધી લઇ જતા સમયે પણ હું મહાદેવને પ્રાર્થના કરી રહ્યો હતો કે, ભગવાન શ્રાવણ માસ છે આ નાનકડો જીવ મારા હાથમાં છે બધુ તમારા હાથમાં છે. બહાર લાવી 108 ને સોંપતા જ તત્કાલ તેને સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી. જો કે સિવિલમાં તબીબોએ કિશોરીને મૃત જાહેર કરતા અમારું મન વ્યથિત થઈ ઉઠ્યુ હતું. એવું થાય છે કે, જો અમે વહેલા પહોંચ્યા હોત તો કદાચ જીયા અત્યારે રમતી હોત.
ADVERTISEMENT
જ્યારે તેને બહાર કાઢી ત્યારે તેનાં શરીરમાં કોઇ હલનચલન નહોતી
વિનાયક ભાઈ ભીલે જણાવ્યું કે, અમે જ્યારે ભૂગર્ભ ગટરમાં જીયાને જોઈ ત્યારે કોઈ તેનામાં કોઈ મુમેન્ટ નહોતી. જો તે વહેલી મળી હોત તો તેનો જીવ બચી શક્યો હોત. જીયાને બચાવવા જીવનું જોખમ ખેડ્યુ પરંતુ તેને બચાવી ન શક્યાનો રંજ કાયમ રહેશે. જીયાના આત્માને પ્રભુ પોતાના ચરણોમાં સ્થાન આપે અને સરકાર અને કોર્પોરેશનને સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના જેથી બીજી કોઇ જીયા આવી રીતે જીવ ન ગુમાવે.
ADVERTISEMENT