ગુજરાતમાં ક્યાંક 1 કલાકમાં 4 ઈંચ વરસાદ તો ક્યાંક ભારે પવનઃ જુઓ Videos આજે કેવું રહ્યું માવઠું

ADVERTISEMENT

rain
rain
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં જે રીતે વરસાદ પડ્યો છે તે જોતા આપ કદાચ ચોમાસામાં સંભળાતો ભાદરવો ભરપૂર શબ્દ ભૂલી જાઓ તો નવાઈ નહીં. અહીં અમે કેટલાક વીડિયો દર્શાવ્યા છે જેમાં ગુજરાતમાં વરસાદની કેવી બેટિંગ રહી તે જોઈ શકાય છે. ક્યાં 1 જ કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે તો ક્યાંક હોર્ડિંગ અને વીજપોલ તોડી પાડ્યા છે. જુનાગઢમાં તો ચાલુ કાર પર તોતિંગ વૃક્ષ પડતા કારનો કચ્ચરઘાણ વળી ગયો છે અને તેમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયા છે.

ગુજરાતમાં કેવો રહ્યો આજનો દિવસ વાંચો
જુનાગઢમાં 1 કલાકમાં જ 4 ઈંચ વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોળી બની છે. હવામાનમાં ફેરફારોને કારણે જાણે કુદરત ઉનાળો ભુલી જ ગઈ છે અને ચોમાસું શરૂ થઈ ગયું હોય તેવો ઘાટ ઘડાયો છે. જુનાગઢમાં મણાવદરમાં સરદારગઢ ગામમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જેનાથી ઉનાળુ સીઝનના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેમાં પાક બરબાદ થઈ ગયો છે. વર્ષભર મહેનત કરીને જીવન ચલાવતા ખેડૂતોની હાલત હાલ તેમના સિવાય કોઈ સમજે તેવું લાગી રહ્યું નથી. ખેતરમાં મગ, ચણા વગેરે વાવ્યા હતા જે બરબાદ થઈ ગયા છે.

આ તરફ પોરબંદરના બરડા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ થઈ ગઈ હતી. કુણવદરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવા માહોલ વચ્ચે જ ધોધમાર વરસાદ પડ્યો હતો. મગનો પાક તો જાણે કેટલાક ખેડૂતોનો સંપૂર્ણ નાશ પામ્યો હતો. આ તરફ પશુઓના ઘાસચારાને પણ નુકસાન થયું હતું. કુદરતના પ્રકોપ સામે જાણે ખેડૂત સદંતર લાચાર જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

Bhavnagar: 1100 કરોડની GST ચોરી, કોર્ટમાં રજૂ કરાઈ 11,228 પાનાની ચાર્જશીટ

આ તરફ વરસાદને કારણે પાવાગઢ ખાતે નિર્માણાધીન મઢુલીની નીચે આશરો લેવા ઊભેલા લોકો પર મઢુલીનો ભાગ પડી ભાગ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અચાનક બનેલી આ ઘટનાએ અહીં કરુણ દ્રષ્યો સર્જ્યા હતા. બીજી બાજુ અરવલ્લીમાં મેઘરજના રામગઢી ગામે કરા પડ્યા હતા. કમોસમી વરસાદ વચ્ચે કરાના ટપોટપ વરસાદથી લોકો પણ કુતુહલ પામ્યા હતા. મેઘરજમાં વાવાઝોડાના કારણે હોર્ડિંગ પણ ધરાશાયી થઈ ગયા હતા.

કચ્છમાં તો સતત કમોસમી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. માંડવી, ગઢશીશા, નખત્રાણા પંથકની તો હાલત જ બગાડી દીધી છે. નદી અને નાળાઓમાં પાણી સટાસટ વહેવા લાગ્યા છે. અહીં નખત્રાણા બજાર વચ્ચે જ નદી વહેતી હોય તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. ભૂજ, નખત્રાણા, લખપતમાં પણ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી એ ઝડપે જતું હતું કે સહુ કોઈ ચોંકી ગયા હતા. જેના કારણે ઘણા વાહનો થોભી ગયા હતા. નખત્રાણા શહેરની અંદરથી નીકળતા કોઝવેમાં ભારે પાણી આવ્યું હતું. રસ્તા પર પાણી ફરી વળતા ભુજ, નખત્રાણા અને લખપતનો રાજ્ય ધોરીમાર્ગ અવરોધાયો હતો.

ADVERTISEMENT

રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ પડ્યો છે. ઉનાળા દરમિયાન જ્યાં તપતી ગરમીનો માહોલ હોય છે ત્યાં કમોસમી વરસાદની એક માત્ર બેટિંગમાં જ ઉપલેટા પાણી પાણી થઈ ગયું હતું. અહીં સ્વામિનારાયણ સોસાયટીમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. વિસ્તારની અંદર અગાઉ પણ પાણી ભરાવાની બુમો પડતી રહી છે પણ સત્તાધિશોના કાન એમ કાંઈ સાંભળે? જોકે અહીં લોકો જાતે જ પોતાની મદદ કરવાનું નક્કી કરીને પોતાની અક્કલથી જે થાય તે કરી રહ્યા છે. ક્યાં સુધી તંત્રના ભરોસે બેસીશું તેવું વિચારી લોકોએ પોતાની સુજબુજથી પાણીનો નિકાલ કરવાનું શરૂ કરીને છૂટકારો મેળવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

જામનગરમાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે અચાનક વાતાવરણમાં પલટો થયો હતો. શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદની સટાસટી ચાલુ થઈ હતી. શહેરના રાજમાર્ગો પર આ કારણે પાણી ફરી વળ્યા હતા. વાહન ચલાવવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડ્યો હતો. કાલાવડ શહેર અને તાલુકામાં આવો જ માહોલ જોવા મળ્યો હતો. અહીં અડધા કલાકમાં જ 1 ઈંચ વરસાદ પડી ગયો હતો. કાલાવડના જસાપર, મોટા વડાલા, જુવાનપર, ગુંદા સહિતના અને ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેતરમાં ઊભા મગ, તલ, મગફળી સહિતના ઉનાળુ પાકને નુકસાન થયું છે.

જાગતા રહો કારણ કે પોલીસ રજા પર છે! આખુ પોલીસ સ્ટેશન ભગવાન ભરોસે હતું ને આરોપીનું મોત થયું

અમરેલીમાં સતત નવમા દિવસે પણ વરસાદે હાજરી નોંધાવી છે. સાવરકુંડલા શહેરમાં ઢળતી સંધ્યાએ વરસાદ શરૂ થયો હતો. અહીં વરસાદમાં કેટલાક લોકોએ મસ્તી કરીને હવળો સમય પણ વિતાવ્યો હતો. જોકે ઘણાઓ માટે આ વખતનો કમોસમી વરસાદ ચિંતાનું મોજું લઈને આવ્યો છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. લાપાળીયા, ગોરખવળા, દેવળીયા સહિતના ગામોમાં કમોસમી મેઘ કહેર જોવા મળ્યો હતો. જાણે કે અષાઢી માહોલ જામ્યો હોય તેવો ઘાટ હતો. ધારીમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. આંબરડી, મણાવાવ અને ચલાલાલ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ/ હિરેન રાવિયા, અમરેલી/ કૌશિક કાંટેચા, કચ્છ/ જીતેશ ચૌહાણ, પોરબંદર/ શાર્દૂલ ગજ્જર, ગોધરા/ હિતેશ સુતરિયા, અરવલ્લી/ નીલેશ શિશાંગિયા, રાજકોટ/ દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp

    ADVERTISEMENT