ભગવાનને પણ નડે છે મોંઘવારી! અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદમાં ભાવ વધારો ઝીંકાયો
અંબાજી : દેશમાં હવે સ્થિતિ એવી થઇ ચુકી છે કે, સામાન્ય માણસને જ નહી પરંતુ ભગવાનને પણ મોંઘવારી નડી રહી છે. ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને…
ADVERTISEMENT
અંબાજી : દેશમાં હવે સ્થિતિ એવી થઇ ચુકી છે કે, સામાન્ય માણસને જ નહી પરંતુ ભગવાનને પણ મોંઘવારી નડી રહી છે. ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને દેશના શક્તિપીઠો પૈકીનું એક શક્તિપીઠ અંબાજી માતા મંદિરને પણ મોંઘવારી નડી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદીની કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજીમાતાના પ્રખ્યાત પ્રસાદ મોહનથાળની કિંમતમાં વધારો કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રસાદ પોતાની આગવી ઓળખ ધરાવે છે.
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ભારત દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે. અંબાજી મંદિર ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે ભક્તો અંબાજી મંદિરથી માતાજીનો પ્રસાદ પણ પોતાના ઘરે લઈ જાય છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિર ખાતે ભક્તોને મોહનથાળનો પ્રસાદ નજીવા દરે આપવામાં આવતો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રથમ વાર મોંઘવારીને લઇને પ્રસાદનો ભાવ વધારવામાં આવ્યો છે. અંબાજી મંદિર ખાતે માતાજીની ગાદી અને અંબાજી મંદિર ટ્રસ્ટના ભેટ કેન્દ્ર પર નવા પ્રસાદના ભાવના બોર્ડ પણ લગાવવામાં આવ્યાં છે. અંબાજી મંદિરના પ્રસાદની આગવી વિશેષતા પણ છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પ્રથમ દિવસે ફરાળી ચીકીનો પ્રસાદ પણ શરૂ કરવામાં આવ્યો હતો. જે માત્ર 25 રૂપિયામાં ભક્તોને આપવામાં આવે છે.
ADVERTISEMENT
આ અંગે અંબાજી મંદિરના વહીવટદાર આર કે પટેલને પુછતા તેમણે જણાવ્યું કે, અંબાજી મંદિર ટ્રસ્ટ આ પ્રસાદ ન નફો ન નુકસાનના ધોરણે પ્રસાદ આપે છે પરંતુ ઘી ,ચણાની દાળ અને અન્ય વસ્તુઓના ભાવ વધવાથી એજન્સીને પણ ભાવ વધારવાની ફરજ પડી છે. એજન્સીની ભાવ વધારા અંગેની લાંબા સમયથી માંગ હતી. જો કે પ્રસાદીની કિંમતમાં ખુબ જ નજીવો વધારો કરવામાં આવ્યો છે.
જુનો ભાવ
1.નાના પેકેટ 15 રૂપિયા
2.મીડિયમ પેકેટ 25 રૂપિયા
3.મોટાં પેકેટ 50 રૂપિયા
ADVERTISEMENT
નવો ભાવ
1.નાના પેકેટ 18 રૂપિયા
2.મીડિયમ પેકેટ 28 રૂપિયા
3.મોટાં પેકેટ 52 રૂપિયા
ADVERTISEMENT
(રિપોર્ટર : શક્તિસિંહ રાજપૂત)
ADVERTISEMENT