મહેસાણામાં તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતા લોકોએ લૂંટ ચલાવી, પોલીસ સામે જ કેરબા ભરીને લઈ ગયા
કામિની આચાર્ય/મહેસાણા: મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે 30 ટન સીંગતેલ ભરેલું ટેન્કર પલટી ખાતા રસ્તા પર તેલની નદીઓ વહી હતી. રાજકોટથી પાલનપુર તેલ ખાલી કરવા જઈ…
ADVERTISEMENT
કામિની આચાર્ય/મહેસાણા: મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે 30 ટન સીંગતેલ ભરેલું ટેન્કર પલટી ખાતા રસ્તા પર તેલની નદીઓ વહી હતી. રાજકોટથી પાલનપુર તેલ ખાલી કરવા જઈ રહેલુ ટેન્કર વહેલી સવારે પલટી મારી જતા લોકોએ રીતસર તેલની લૂંટ ચલાવી હતી. તેલની નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ ઘટના સ્થળે જોવા મળ્યા હતા. તેલ ઢોળાતા અહીં આસપાસમાં રહેતા લોકો જે હાથમાં આવ્યું તે વાસણ લઈને રીક્ષા તેમજ અન્ય વાહનો લઈને ઘટના સ્થળે તેલ લેવા દોડી ગયા હતા. લગભગ છ કલાકથી વધુ સમય સુધી લોકો તેલની લૂંટ ચલાવતા રહ્યા હતા જેમાં મહિલાઓ અને બાળકો પણ જોડાયા હતા.
ફતેપુરા સર્કલ પાસે સીંગતેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હોવાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેલ લૂંટવા માટે પડા પડી કરી મૂકી હતી. પલટી ખાઈ ગયેલા ટેન્કરમાંથી 30 ટન તેલ રોડ ઉપર અને આજુબાજુના નારામાં વહેતું જોઈને લોકો કેરબા અને ડબલા લઈને તે લેવા પહોંચી ગયા હતા.
આ અકસ્માતની ઘટનામાં ડ્રાઇવર અને કંડકટરને ઈજા થતાં તેમને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ પાલનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટેન્કર આગળથી પસાર થયેલી એક ગાડીએ એકાએ કટ મારતા તેને સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર પલટી ખાઈ જતા તેમાં રહેલું 30 ટન તેલ નદીની જેમ વહેતું થયું હતું. તેઓ ટેન્કરમાં ફસાઈ ગયા હતા અને મહા મહેનતે બહાર નીકળ્યા હતા બહારની સાઈડમાં તેલ વહેતું જ હોય તેઓને રોડ ઉપરથી ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું અને એક વ્યક્તિની મદદથી તેઓને સારવાર માટે ખસેડાયા હતા.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તેલની લૂંટફાટ કરતાં વ્યક્તિઓને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની હાજરી જાણે હોય જ નહીં તેમ લોકો બિન્દાસ સાથે લાવેલા વાસણોમાં તેલ ઉલેચીને ડબ્બામાં ભરતા જોવા મળ્યા હતા. તેલની નદી વહેતી જોઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો જ નહીં પરંતુ રાહદારીઓના પણ પગ થંભી ગયા હતા અને તેલની લૂંટફાટને દૂરથી જોઈને નિશાશા નાખતા પણ જોવા મળ્યા હતા.
ADVERTISEMENT