સુરત: પોલીસના હપ્તા રાજની પોલ ખોલનાર એડવોકેટ પર હુમલો, લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: લસકાણા ખાતે કેનાલ રોડ પર એડવોકેટ મેહુલ બોઘરા (Advocate Mehul Boghra) પર જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી જવા પામી હતી. સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી ખોટી રીતે બેફામ ઉઘરાણી કરાવાતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. એવામાં એડવોકેટ મેહુલ બોઘરાએ આજે લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન TRB જવાન તેના પર લાકડી લઈને તૂટી પડ્યો હતો. જેમાં એડવોકેટ લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હવે પોલીસ પર આરોપીઓને છાવરવાના આક્ષેપ લાગ્યા છે.

લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા
આ સમગ્ર ઘટનાને પગલે આજે સાંજે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. જેમાં પાસના નેતા અલ્પેશ કથીરિયા પણ હાજર હતા. યુવાનોએ અહીં સૂત્રોચ્ચાર કરીને એડવોકેટ પર હુમલો કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, પોલીસ દ્વારા આ હત્યાના પ્રયાસ જેવી ગંભીર ગુનાની ઘટનામાં પણ સામાન્ય કલમો ઉમેરીને કેસ કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

ફેસબુક લાઈવમાં જ એડવોકેટ પર જીવલેણ હુમલો
નોંધનીય છે કે, સુરતના લસકાણામાં ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે વાહન ચાલકોને હેરાન કરાતા હોવાની ફરિયાદો ઉઠી હતી. એવામાં એડવોકેટ મેહુલ બોઘરાએ આજે ત્યાં જઈને ફેસબુક પર લાઈવ કર્યું હતું. જેમાં TRB જવાન દ્વારા કરાયેલો હુમલો પણ કેમેરામાં કેદ થઈ જાય છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મેહુલ બોઘરા લસકાણા પોલીસ ચોકી પાસે ઊભા રાખેલા વાહન ચાલકોને બચાવે છે, જેવા તે પોલીસ પાસે જવાનો પ્રયાસ કરે છે એટલામાં જ એક રિક્ષામાંથી લાકડી લઈને યુવક તેમના પર તૂટી પડે છે અને લાકડી મારીને માથું ફોડી નાખે છે. જોકે લોહીલુહાણ હાલતમાં પણ મેહુલ બોઘરા તે વ્યક્તિનો વીડિયો ઉતારતા રહે છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT