કેવું કરુણ મોત! પાટણમાં રાણકી વાવ જોવા આવેલા બે મિત્રો પર વીજળી પડી, એકનું મોત, એકની હાલત ગંભીર
વિપિન પ્રજાપતિ/પાટણ: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે પાટણમાં કરુણ…
ADVERTISEMENT
વિપિન પ્રજાપતિ/પાટણ: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે પાટણમાં કરુણ ઘટના બની હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ગઢ મડાણા ગામે રહેતા ચાર મિત્રો આજે પાટણના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે સારવાર માટે પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હતા. જોકે ડોક્ટર સાંજે 5 વાગે આવવાનું કહેતા ચારેય મિત્રો પાટણની ઐતિહાસિક રાણકી વાવ જોવા માટે બપોરના સુમારે ગયા હતા. ત્યારે અચાનક વાતાવરણમાં બદલાવ આવતા વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો.
વરસાદ આવતા લીમડા નીચે ઊભા હતા મિત્રો
એવામાં ચાર મિત્રો પૈકીના બે મિત્રો રાણકી વાવ સ્થિત લીમડાના ઝાડના ઓથ હેઠળ ઉભા હતા. ત્યારે જ વીજળી બંને મિત્રો ઉપર પડતા એક મિત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મિત્રને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે 108 ની મદદ વડે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ મૃતકના પરિવારજનો સહિત ઇજાગ્રસ્તના પરિવારજનોને થતા તેઓ પણ તાત્કાલિક પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈસમની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
બીજા યુવકની હાલત ગંભીર
વીજળી પડવાથી મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સંદીપ જગદીશભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ યુવકનું નામ રોહિત મેવાડા હોવાનું જાણવા મળ્યું છે. તો કુદરતી આફતમાં અન્ય બે મિત્રોનો આબાદ બચાવ થવા પામ્યો છે. પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે વીજળી પડવાની ઘટનામાં એક પર્યટકના મૃત્યુને લઈ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે પડ્યા હતા. તો સિવિલ હોસ્પિટલ ખાતે પણ મૃતકના પરિવારજનો સહિતના સગા સંબંધીઓ આવી પહોંચતા વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT