Panchmahal: ‘મારી નહીં તો કોઈની નહીં’, પાગલ પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપી નાખ્યું, બાદમાં પોતે પણ જીવન ટૂંકાવ્યું
Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં હત્યાની ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીએ જ પહેલા પ્રેમિકાનું છરી વડે ગળું કાપી નાખ્યું અને બાદમાં…
ADVERTISEMENT
Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં હત્યાની ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીએ જ પહેલા પ્રેમિકાનું છરી વડે ગળું કાપી નાખ્યું અને બાદમાં પોતે પણ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. હચમચાવી નાખનાર હત્યા અને આપઘાતની ઘટના સામે આવતા શહેરા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
શિતલને ગામના યુવક સાથે હતો પ્રેમ સંબંધ
વિગતો મુજબ, શહેરા તાલુકાના લીંબોદ્રા ગામમાં નિશાળ ફળિયામાં રહેતી 19 વર્ષની શિતલ પરમારને ગામના જ 22 વર્ષના વિજય પરમાર સાથે આંખો મળી ગઈ હતી. શિતલ હાલોલમાં આવેલી એમ.જી મોટર્સમાં નોકરી કરતી હતી. રવિવારે વિજય શીતલને લઈને તેના ઘરેથી ભાગ્યો હતો. આથી શિતલના પિતાએ પોલીસને જાણ કરતા શહેરા પોલીસે પ્રેમીપંખીડાની શોધખોળ હાથ ધરી હતી.
પ્રેમિકાનું ગળું કાપીને કર્યો આપઘાત
બંનેની શોધખોળ દરમિયાન સોશિયલ મીડિયા પર મૃતક વિજયે તેની અને શિતલની તસવીર મૂકી હતી. જેમાં શિતલ મૃત હાલતમાં હતી. જેને આધારે પોલીસે ગામની નદીથી લઈને લીંબોદ્રા, ધાણીત્રા અને ચાંદણગઢ ગામને સ્પર્શતા સીમમાં તપાસ કરતા એક વૃક્ષ પર વિજયનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે શિતલનો મૃતદેહ પણ તેની બાજુમાં હતો. તેનું ગળું ધારદાર હથિયારથી કાપી નાખવામાં આવેલું હતું.
ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
પોલીસના પ્રાથમિક તારણ મુજબ, વિજયે ‘શીતલ મારી નહીં તો બીજા કોઈની નહીં થવા દઉં’ના ઝૂનુન સાથે છરી વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. આ બાદ બાજુમાં આવેલા વૃક્ષ પર પોતે પણ ફાંસો ખાઈ લીધો હતો. બનાવના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો જંગલમાં દોડી આવ્યા હતા. પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
(ઈનપુટ: જયેન્દ્ર ભોઈ, પંચમહાલ)
ADVERTISEMENT
ADVERTISEMENT