મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નડિયાદમાં ગરનાળામાં કાર ફસાતા 4 લોકોનું રેસ્ક્યુ કરાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદ: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આણંદમાં મોડી રાતથી જ મુસળધાર વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નડિયાદમાં પણ ધોધમાર વરસાદથી અંડરપાસમાં પાણી ભરાતા કાર ફસાઈ ગઈ હતી. જે બાદ ફાયર બ્રિગેડ દ્વારા 4 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો.

નડિયાદમાં ગરનાળામાં કાર ફસાઈ
હવામાન વિભાગની આગાહી અનુસાર ખેડા તથા આણંદ જીલ્લામા મોડી રાતે ભારે વરસાદ વરસ્યો. મોડી રાતથી વહેલી સવાર સુધી નડીયાદમાં લગભગ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાઈ ગયા. ખાસ કરીને નડિયાદના રેલ્વે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા. જેમા એક યુપી પાસીંગની કાર કે જે અમદાવાદથી નડીયાદ આવી રહી હતી તે નડીયાદના શ્રેયસ રેલ્વે ગરનાળામા ભરાયેલ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ. જેવી કાર પાણીમાં આગળ વધવા લાગી એમ એમ વરસાદનું પાણી કારમા આવતા કારમાં સવાર ચાર લોકોમાંથી 3 લોકો સહી સલામત બહાર નીકળી ગયા. જ્યારે કારનો ચાલક કારમાં જ ફસાઈ ગયો હતો. વધારે પાણીને કારણે કાર ચાલક કાર પર બેસી ગયો હતો. આ ઘટનાની જાણ નડીયાદ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવર કારને દોરડા વડે સહીસલામત બહાર કાઢ્યા. મહત્વનું છે કે, નડીયાદમાં ચાર ગરનાળા છે. અને તમામ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જાય છે. લોકો પણ જાણતા અજાણતા આ ગરનાળામા પાણી ભરાયા હોવા છતા વાહન લઈ પસાર થવાની કોશીશ કરે છે. અને પોતાનો જીવ જોખમમા મુકે છે.

અમદાવાદથી ઘરે જતા 4 વ્યક્તિ ગરનાળામાં ફસાયા
કારમાં ફસાયેલ બ્રિજેશસિંગ રાજપુતના જણાવ્યા અનુસાર, “આ મારી ગાડી છે અને અમે લોકો અમદાવાદથી આવ્યા હતા એક્સપ્રેસ હાઈવેથી અહીંયા બીજ રોડ પર અમારું ઘર છે અમે ત્યાં જઈ રહ્યા હતા અને આ રેલ્વે અંડર બ્રિજમાંથી કાર બહાર કાઢવાની કોશીશ કરી તો પાણીમાં ફસાઈ ગયા. કોઈને કંઈ વાગ્યું નથી. ફાયર વિભાગને જાણ કરતા તેઓ તુરંત આવી દોરડા વડે રેસ્ક્યુ કરી મને અને કારને બહાર કાઢયા.”

ADVERTISEMENT

આણંદમાં 3 ઈંચ વરસાદ
આણંદમાં વરસાદ શરૂ થયા બાદ માત્ર ચાર કલાકમાં જ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદમાં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ ખંભાતમાં 5 ઈંચ વરસાદ થયો છે. તારાપુરમાં 3 ઈંચ, પેટલાદમાં 2.5 ઈંચ, આંકલાવમાં 1.7 ઈંચ, આંકલાવમાં 1 ઈંચ વરસાદ થયો છે. આણંદમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે પાણી ભરાયા હતા અને રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી હતી. આણંદમાં ભારે વરસાદથી શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આણંદ ડીએસપી કચેરીમાં પણ વરસાદી પાણી ભરાયા છે. શહેરના આણંદ બિધાનનગર રોડ, શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર રોડ, ભાલેજ રોડની વિવિધ સોસાયટીઓ, લક્ષ્મી સિનેમા, ગામડીવાડ, રાજમહેલ રોડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે માર્ગો પર નદી જેવો નજારો સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આણંદમાં વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT