‘ભગવાન… મારો કિરણ જ્યાં હોય ત્યાંથી પાછો મોકલ’: US જવા નીકળેલા પુત્રની ભાળ ના મળતા માતાના શબ્દોઃ મહેસાણા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્ય.મહેસાણાઃ છ મહિના પહેલા ઘરેથી બેગ-બિસ્તરા લઈને અમેરિકા જવાનું કહીને વાગતે ઢોલે નીકળેલા આંબલિયાસણના ચંપાબેન વસાવા સહિત ચાર વ્યક્તિઓ ગુમ થઈ જવાની ઘટનાએ ચકચાર મચાવી છે. અમદાવાદના એજન્ટ મહેન્દ્ર ઉર્ફે એમડીને કહેવાય છે કે મસમોટી રકમ આપીને અમેરિકા જવા નીકળેલા મહેસાણાના આ ચારેય વ્યક્તિઓ બાબતે છેલ્લા છ મહિનાથી એજન્ટ દ્વારા અપાતા ગોળ-ગોળ જવાબોથી કંટાળીને પરિવારજનોએ આખરે પોલીસનો આસરો લીધો છે. મૂળ ટુંડાવના કિરણ પટેલ છ મહિનાથી ગુમ થયા બાદ તેમના ભાઈએ હાલમાં શોધખોળ શરૂ કરી છે ત્યારે પરિવારજનોની દયનીય હાલત તેમના જ શબ્દોમાં જ જાણીએ.

જતી વખતે હરખ સમાતો ન્હોતો, હવે…
ટુંડાલીગામના કિરણભાઈ પટેલ જ્યારે અમેરિકા જવા ઘરેથી સામાન લઈને નીકળ્યા ત્યારે પરિવરજનોનો હરખ સમાતો ન્હતો. બધાના મોઢે એક જ વાત હતી કે, પરિવારનો દિકરો અમેરિકા જઈ રહ્યો છે. પરંતુ પરિવારના આ કુળદીપકના ઘરેથી ગયાના પાંચ મહિના થયા પણ હજુ સુધી કોઈ વાવડ ન આવતા તમામની આંખોમાં હાલમાં આસું છલકાઈ ઉઠ્યા છે. એજન્ટના ભરોસે અમેરિકા જવાનું કહીને ઘરેથી નીકળેલા પુત્રના નામ માત્રથી તેની માતા રડી પડે છે. તેમના શબ્દોમાં કહીએ તો, મારો દિકરો કિરણ બસ જીવતો આવે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. હે ભગવાન મારા પુત્રને હેમખેમ પાછો લાવજે. જ્યારે ગુમ થયેલા કિરણભાઈના મોટાભાઈ ભાવેશભાઈ સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તેઓ પણ ગળગળા થઈ ગયા હતા.

નાનોભાઈ અમેરિકા જવાનું કહીને નીકળ્યા બાદ તેના કોઈ વાવડ ન મળતા હાલમાં લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવાની મથામણમાં પડેલા આંબલીયાસણના ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કિરણ મારો નાનો ભાઈ છે અને તે અમદાવાદના રાણીપમાં રહેતા એમડી એટલે કે મહેન્દ્રના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે તેને અમેરિકા જવાની વાત કરી ત્યારે જ અમને ખબર પડી હતી કે તેને અજેન્ટ મારફતે કામ કરાવ્યું છે. શરુઆતના એક મહિના સુધી કિરણના ફોન કોલ્સ આવતા હતા પરંતુ તે બાદ ફોન આવતા બંધ થતા અમે એમડીનો સંપર્ક કર્યો હતો. જેમાં એમડીએ તે એક ટાપુ પર પકડાઈ ગયા છે અને બોન્ડ આપીશું પછી તે છુટી જશે તેવી પ્રથમ વાત કરી હતી. ત્યાર બાદ તેણે કહ્યું કે, તેઓ ટાપુ પરથી છુટીને આગળ જતા રહ્યા છે અને અમેરીકા પહોંચીને ફોન કરશે. તેવી વાતો તેણે લગભગ પાંચ મહિના સુધી કરી, પરંતુ મારા ભાઈ કિરણ બાબતે કોઈ જ પત્તો ન મળતા આખરે હિંમત હારીને લાંઘણજ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલમા પ્રાંતિજ પોલીસને નિવેદન આપ્યું છે પરંતુ અમને તો રાતદિવસ અમારો ભાઈ ક્યારે આવશે, તે ક્યાં છે, તેને કોઈ જગ્યાએ ગોંધી તો નથી રાખ્યોને, તેની સાથે શું બનાવ બન્યો જેવા અનેક સવાલો ઉઠે છે. જ્યારે પરિવારજનોના પણ જીવ અધ્ધર છે. તેઓની એક જ વાત છે કે, કિરણને શોધી લાવો પરંતુ કિરણને ક્યાંથી લાવીએ.

ADVERTISEMENT

સૌરાષ્ટ્રમાં જળબંબાકાર બાદ પાણી ભરાતા હાહાકાર, ભાવનગરમાં 3 ઇંચ વરસાદમાં જ પાણી-પાણી

અમેરિકા ગયા બાદ ગૂંમ થયેલા યુવાનોના નામ
કિરણ તુલસીભાઈ પટેલ (રહે. ટુડાલી)
સુધીરકુમાર હસમુખભાઈ પટેલ (રહે. હેડુવા તા. મહેસાણા)
નિખીલકુમાર પ્રહલાદભાઈ પટેલ (રહે. સીપોર તા.વડનગર)
ચંપાબેન ફતેસિંહ વસાવા (રહે. આંબલીયાસણ)

દિવ્યેશ પટેલ ઉર્ફે જોનીની ધરપકડથી ખુલાસા થશે
અમેરિકા મોકલવાની લાલચ આપીને મહેસાણાના યુવકોને છેતરનારી ટોળકીનો માસ્ટર માઈન્ડ એવા મહેસાણાના દિવ્યેશ પટેલ ઉર્ફે જોનીની હિંમતનગર પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા છે. તેમજ ડીંગુચાનો મહેન્દ્ર પટેલ હજુ પણ ફરાર છે. આ સંજોગોમાં પ્રાંતિજ પોલીસે દિવ્યેશ પટેલની પુછપરછ કરી મહેસાણાથી અમેરિકા જવા નીકળેલા ચાર વ્યક્તિઓ હાલમાં ક્યાં છે તેમજ છ મહિના દરમિયાન તેમની સાથે કોઈ ઘટના બની છે કે કેમ તે સહિતના ઉઠેલા. અનેક સવાલોના જવાબો શોધવાની મથામણ કરાશે. જ્યારે બીજીબાજુ આ કેસનો ભેજાબાજ એવો એજન્ટ મહેન્દ્ર ઉર્ફે એમડીને ઝડપી લેવા પ્રાતિજ પોલીસે તેના અમદાવાદના મકાન તેમજ ઓફિસમાં પણ છાપા માર્યા હતા પરંતુ કોઈ માહિતી મળી નહોતી.

ADVERTISEMENT

પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ
અમેરિકા જવા નીકળેલા પ્રાંતિજના યુવકના પરિવારે 20 લાખ જેટલી રકમ ચુકવવા છતા છેલ્લા છ મહિનાથી તે ગુમ હોવાની જાણ તેની પત્નીએ પ્રાંતિજ પોલીસમાં કરી હતી અને તપાસ કરતા આઠ જેટલા ગુજરાતીઓ ગુમ થયાનું ખુલ્યુ છે. હાલમાં પ્રાંતિજ પોલીસે એજન્ટો સામે ફરિયાદ નોંધીને તેમને ઝડપી લેવા તજવીજ કરી છે.

ADVERTISEMENT

હેડુવા (રાજગર)ના સુધીરને 75 લાખમાં અમેરિકા મોકલવાનું નક્કી કરાયું હતું
મહેસાણાના હેડુવા (રાજગર) ગામના સુધીર હસમુખભાઈ પટેલ પણ હાલમાં અમેરિકા જવાનું કહીને નીકળ્યા બાદ છ મહિનાથી ગુમ છે ત્યારે તેમના ભાઈ સુનિલભાઈ પટેલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં તેમનો ભાઈ સુધીર હોટલ ચલાવતો હતો તે સમયે દિવ્યેશ ઉર્ફે જોની મનોજકુમાર પટેલના સંપર્કમાં આળ્યો હતો. જેમાં તેને અમેરિકામાં વર્ક પરમીટ અપાવવાનું કહીને અમદાવાદના એજન્ટ મહેન્દ્ર ઉર્ફે એમડી બળદેવભાઈનો સંપર્ક કરાવ્યો હતો. આ બંન્ને શખ્સોએ ભેગા થઈને અમેરિકામાં કાયમી સ્થાયી કરવા માટે ૭૫ લાખ ખર્ચની વાત કરીને 10 લાખ રોકડા લીધા હતા અને બાકીની રકમ અમેરિકા પહોંચ્યા પછી આપવાનો નિર્ણય લેવાયો હતો. 13 જાન્યુઆરી 2023ના રોજ નેધરલેન્ડ જવાનું છે, તેવો સુધીરનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ ડોમેનિકા પહોંચીને તે અવારનવાર તેના ભાઈ સાથે વ્હોટ્‌સએપ પર વાત કરતો હતો. જોકે 4 જાન્યુઆરી બાદ રાત્રે બે વાગે સુધીર સાથે વાત થયા બાદ તેના ફોન કે વ્હોટ્‌સએપ મેસેજ બંધ થઈ જતા તેના ભાઈ સુનિલભાઈને શંકા ગઈ હતી અને એમડીનો સંપર્ક કર્યો હતો. અવનવા બહાના કાઢતા એમડીએ ડોમિનિકાની પોલીસે આ લોકોને પકડ્યા છે. હું તેમને છોડાવી દઈશ ચિંતા કરશો નહીં તેવા ખોટા વાયદા કર્યા હતા. જોકે છ મહિના જેટલો સમય થવા છતા ભાઈના કોઈ વાવડ ન મળતા આખરે સુનિલભાઈએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં દિવ્યેશ ઉર્ફે જોની, શૈલેશ પટેલ, મહેન્દ્ર ઉર્ફે એમડી, વિજય પટેલ ઉર્ફે મોન્ટુ સામે ગુનો દાખલ કરવા અરજી આપી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT