મહિલા સુરક્ષાના દાવાઓ વચ્ચે મોરબીમાં સફાઈકર્મી મહિલા પર દુષ્કર્મ, દલિત સમાજ લાલઘૂમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ મોરબીમાં મોડી રાત્રે સફાઈનું કામ કરતી મહિલાને શખ્સોએ ધારિયું બતાવીને અવાવરું સ્થળે ખેંચી લઈ ગયા અને ત્યાં તેની સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જે પછી તેના પુત્રને પણ આ શખ્સો દ્વારા જો ફરિયાદ કરી તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જોકે ચોંકાવનારી વાત એ હતી કે મહિલાને મોડી રાત્રે 2.45થી 3 વાગ્યાના સુમારે સફાઈ કામ માટે પાલિકાની હદ વિસ્તારની બહાર મોકલવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સામાનયતઃ આપણે ત્યાં બણગાં ફૂંકવામાં આવતા હોય છે કે મહિલાઓ રાત્રે બેખોફ ગમે ત્યાં ફરી શકે. મહિલા સુરક્ષાની વાતો વચ્ચે થયેલી આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મહિલા પર દુષ્કર્મ આચર્યા ઉપરાંત તેને ગંભીર ઈજા પણ પહોંચાડવામાં આવી હતી. મહિલાની ચીસો સાંભળી નજીકમાં સફાઈ કરતો યુવક દોડ્યો અને તેને પણ શખ્સોએ ધારિયું મારી દીધું તો તેને પણ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને બાદમાં હોસ્પિટલ લઈ જવાયા હતા.

બચાવવા આવેલા યુવાનને માર્યું ધારિયું
મોરબીમાં એક ચોંકાવનારી ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે. મોરબી નગર પાલિકામાં સફાઈની કામગીરી સાથે જોડાયેલી એક મહિલા સફાઈ કર્મચારી રાત્રે 2.45થી 3 વાગ્યાના અરસામાં મોરબીની પાલિકાના હદ વિસ્તારની બહાર સફાઈ કામ માટે મોકલાઈ હતી. મહિલા મોરબીના રવાપર ગામના તળાવ પાસે પોતાનું સફાઈનું કામ કરી રહી હતી. તે વખતે ગાડીમાં બે શખ્સો આવ્યા અને તેને ધારિયું બતાવ્યું. ધમકાવીને તેને જબરજસ્તી ગાડીમાં બેસાડી હતી. મહિલાની બુમો સાંભળી તેને બચાવવા ત્યાં જ સફાઈ કામ કરતો એક યુવાન આગળ આવ્યો પણ આ શખ્સોએ તેને ધારિયું મારીને ઈજાગ્રસ્ત કર્યો હતો. તે પછી તેઓ મહિલાને લઈને અવાવરું જગ્યા પર ગયા હતા જ્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. શખ્સોએ મહિલાને કહ્યું કે જો કોઈને કહ્યું તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખશું. મહિલાને ધમકી આપ્યા પછી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.

દલિત સમાજે હોસ્પિટલ, તંત્રની ઓફીસો પર રોષ વ્યક્ત કર્યો
ગંભીર હાલતમાં મહિલાને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. મહિલાના નિવેદન અને અન્ય પુરાવા એક્ઠા કરવામાં પોલીસ લાગી ગઈ હતી. આ ઘટનાથી દલિત સમાજ અને સફાઈ કર્મચારીઓ ગુસ્સે ભરાયા છે. દલિત સમાજના આગેવાનો પણ આ ઘટનાની જાણ થતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. આરોપીઓ સામે કડક કાર્યવાહી અને મહિલાના પરિવારને પોલીસ પ્રોટેક્શન નહીં આપવામાં આવે ત્યાં સુધી હોસ્પિટલથી દુર નહીં જવાની ચીમકી આપી હતી. ઉપરાંત જિલ્લા પોલીસ વડાને હોસ્પિટલની મુલાકાતે આવવા પણ કહ્યું હતું. આગેવાનો અને કર્મચારીઓ અત્યંત રોષમાં જોવા મળ્યા હતા. તેમણે ધરણાં કર્યા હતા અને પાલિકા કચેરીએ ભેગા થયા હતા. કલેક્ટરને પણ આવેદન પત્ર આપ્યું હતું. સફાઈનું કામ દિવસમાં સોંપવામાં આવે અને નવું શિડ્યૂલ નહીં આવે ત્યાં સુધી સફાઈના કામમાં નહીં જોડાવાની માગ કરી હતી. સમાજનો રોષ જોઈને પોલીસના પણ પરસેવા છૂટવા લાગ્યા હતા. જોકે પોલીસના હાથે ગમે ત્યારે આ બંને શખ્સો આવી જશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. પોલીસે હજુ સત્તાવાર તે અંગે કોઈ જાહેરાત કરી નથી.

ADVERTISEMENT

રાત્રે કેમ કામગીરી સોંપાઈ? કોણે સોંપી?
ઉપરાંત આ ઘટના પછી પીડિતાના પુત્રને પણ અજાણ્યા શખ્સોએ ધમકી આપી કેસ પાછો લેવા ધમકાવ્યો હોવાનું સામે આવ્યું હતું. ધમકી આપનાર શખ્સોને ઝડીપ લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હદ વિસ્તારની બહાર કેમ મહિલાને સફાઈ કરવા મોકલ્યા, કોઈ સુરક્ષાની વ્યવસ્થા વગર આટલી રાત્રે મહિલાને કેમ કામગીરી સોંપવામાં આવી, કોણે કામગીરી સોંપી? વગેરે સવાલોથી હવે તંત્ર ઘેરાયું છે. સાથે જ ગુજરાતમાં જ્યાં રાત્રે મહિલાઓ સેફ, સુરક્ષીત, ગમે ત્યાં ફરી શકે તેવા ફાંકા ફોજરાદારી કરનારા દરેક ગલીએ મળતા લોકો માટે આ ઘટના લપડાક સમાન બની છે.

    follow whatsapp

    ADVERTISEMENT