મોરબીમાં યુવકને માર મારવાનો કેસઃ ‘રાણીબા’ના સરેન્ડર બાદ નાસતા ફરતા વધુ ત્રણ આરોપીઓ પોલીસ પકડમાં
Morbi News: મોરબીમાં દલિત યુવાનને માર મારનાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા બાદ નાસતા ફરતા વધુ ત્રણ…
ADVERTISEMENT
Morbi News: મોરબીમાં દલિત યુવાનને માર મારનાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા બાદ નાસતા ફરતા વધુ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે પ્રીત, ક્રિશ અને પરીક્ષિત નામના વધુ ત્રણ આરોપીઓની ઝડપી પાડ્યા છે. આ કેસમાં કુલ 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
વિભૂતિ સહિત ત્રણ આરોપીએ કર્યું હતું સરેન્ડર
મોરબીમાં યુવકને માર મારવા મામલે ફરાર આરોપીઓ દ્વારા સ્પેશ્યલ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરાઈ હતી. જોકે, કોર્ટે રાણીબા સહિત તમામ આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેતા ગઈકાલે રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, રાજ પટેલ અને ઓમ પટેલ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. જ્યારે પરીક્ષિત નામનો આરોપી હાજર થયો ન હતો.
પોલીસે હાથ ધરી હતી શોધખોળ
વિભૂતિ પટેલ સહિત 3 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા બાદ વધુ બે આરોપીઓ પ્રીત અને ક્રિસના નામ ખુલ્યા હતા. જે બાદ પોલીસે પ્રીત, ક્રિસ અને પરીક્ષિતને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે હવે આ ત્રણેયને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે મોરબી પોલીસ અગાઉ મયુર કલોતરાની ધરપકડ કરી ચૂકી છે. પોલીસ દ્વારા રિમાન્ડ માટે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરાશે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
મોરબીમાં થોડા દિવસ અગાઉ હચમચાવી નાખે એવો બનાવ બન્યો હતો. જેમાં યુવકે પગાર માગતા વિભૂતિ પટેલ સહિત 6 લોકોએ યુવકને બહેરેમીથી ઢોર માર માર્યો હતો. જે બાદ યુવકને શરીરમાં ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તેની ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટીની કલમો હેઠળ રાણીબા ઉર્ફે વિભૂતી પટેલ સહિત 6 જેટલા લોકો સામે ગુનો નોંધાયો હતો.
પગાર લેવા પહોંચ્યો હતો ઓફિસે
મોરબીમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં 21 વર્ષનો યુવક 2 ઓક્ટોબર 2023ના રોજ સેલ્સમેન તરીકે 12 હજાર રૂપિયા મહિનેના પગારે નોકરીએ લાગ્યો હતો. જોકે 18 ઓક્ટોબરના રોજ રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલે તેને નોકરીએ ન આવવા માટે કહી દીધું. આથી યુવકે નોકરી બંધ કરી દીધી હતી. કંપનીમાં કર્મચારીઓનો 5 તારીખ પગાર થતો હોય છે, પરંતુ યુવકના ખાતામાં પૈસા ન આવતા તેણે વિભૂતિ પટેલને ફોન કરીને 16 દિવસના બાકી પગારની વાત કરતા વાત ટાળી દીધી હતી. બાદમાં યુવક ઓફિસે પૈસા લેવા પહોચ્યો હતો.
ADVERTISEMENT
6 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
ત્યારે ઓફિસમાં હાજર લોકોએ યુવકને પટ્ટા તથા લાકડી વડે માર માર્યો હતો અને ધમકી આપી. આટલું જ નહીં યુવકનો માફી માંગતો વીડિયો બનાવ્યો હતો અને ચપ્પલ પણ વિભૂતિ પટેલે ચટાવ્યું હતું. સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક વિભૂતિ પટેલ સહિત 6 જેટલા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હઠળ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
(ઈનપુટ: રાજેશ આંબલિયા, મોરબી)
ADVERTISEMENT