જામનગરના ખાણ ખનીજ તંત્રની કામગીરી પર ઉઠયા અનેક સવાલ, ખનીજ કચેરી છે જ નહીં તેવી સ્થિતિ જોવા મળે છે!

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર, જામનગર:  સરકારી વિભાગોને ઘણું બધું સંતાડવા માટે ઘણાં બધાં બહાનાંઓ દેખાડવાની આદત હોય છે. બહાનાંઓ દેખાડતાં તંત્રો ભાગ્યે જ પોતાની ફરજો બજાવતાં હોય છે. કારણ કે તેઓ સરકારી ફરજો સિવાયની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહેતાં હોય છે. જામનગરમાં ખાણખનીજ તંત્ર આ પ્રકારનું તંત્ર હોવાનું સમજાઈ રહ્યું છે. ખનિજોનો આટલો મોટો કારોબાર છતાં જામનગર હાલારમાં જાણે કે, ખનીજ કચેરી છે જ નહીં એવી વિચિત્ર સ્થિતિ જોવા મળે છે ! ભાગ્યે જ આ તંત્રની કામગીરી કે કાર્યવાહી નજરે ચડે છે.

જામનગર જિલ્લાના વિસ્તારમાં લાઈમ સ્ટોન અને રેતી સહિતનાં કુદરતી ખનિજો સારાં એવાં પ્રમાણમાં જમીનમાં ધરબાયેલા પડ્યા છે. જામનગર માફક દ્વારકા જિલ્લો પણ ખનિજોનો વિપુલ ભંડાર ધરાવે છે. આ બંને જિલ્લામાં સરકારની તિજોરીમાં ખનિજોની રોયલ્ટી પેટે સામાન્ય રકમો જમા થાય છે. બીજી બાજુ સમગ્ર હાલારમાં ખનિજોનો ધંધો કરોડો રૂપિયાનો તોતિંગ બિઝનેસ છે. બધે જ રાતદિવસ ખોદકામ થતું રહેતું હોય છે. જેને પરિણામે હાલારમાં ટ્રાન્સપોર્ટ ઉધોગને પણ ઘી કેળા છે. ખનિજનાં કેટલાંક મોટાં ધંધાર્થીઓ તો ખુદની ટ્રાન્સપોર્ટ પેઢીઓ પણ ધરાવે છે.જેના પરથી આ ધંધાનાં વ્યાપ અંગે અનુમાનો કરી શકાય. ખનિજોનો આટલો મોટો કારોબાર છતાં જામનગર હાલારમાં જાણે કે, ખનિજ કચેરી છે જ નહીં એવી વિચિત્ર સ્થિતિ જોવા મળે છે ! ભાગ્યે જ આ તંત્રની કામગીરી કે કાર્યવાહી નજરે ચડે છે ! તેઓની બહાર દેખાતી નિષ્ક્રિયતા પાછળ કોઈ આંતરિક વ્યૂહરચના હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

તંત્ર કરે છે બચાવ
સરકારનાં ખાધેલા પીધેલા તંત્રો પૈકીનું ખાણખનિજ તંત્ર પોતે શું કામ કરે છે? તે વિગતો પ્રજા સમક્ષ મૂકતું નથી. બીજી બાજુ સરકારની ટીકા અને પોતાના બચાવમાં એવું કહેતું ફરે છે કે, આવડાં મોટાં જિલ્લાની જવાબદારી આ કચેરીને સોંપવામાં આવી છે પરંતુ સરકારે જામનગરમાં આ વિભાગને વિશાળ કચેરી નથી આપી. જરૂરી સ્ટાફ નથી આપ્યો. પર્યાપ્ત માત્રામાં સાધનો અને વાહનો નથી આપ્યા. આ સ્થિતિમાં કામ કેવી રીતે કરી શકાય ? એવો પ્રચાર આ તંત્ર કરતું રહે છે.

ADVERTISEMENT

અનેક સવાલો ઉઠયા છે
બીજી બાજુ તંત્ર મૂંગા મોઢે ઘણાં કામો ‘ પતાવી ‘ લેતું હોવાનું સૌ જાણે છે. કારણ કે, આ આખો કારોબાર કરોડો રૂપિયાનો હોવાનું સમજાઈ રહ્યું છે. સંખ્યાબંધ ધંધાર્થીઓ નિયમિત રીતે તંત્રનાં સંપર્કમાં રહેતાં હોય છે. બીજી બાજુ આ તંત્રની કચેરી ક્યાં છે ? કચેરીનાં વડા કોણ છે ? તેઓ વારંવાર ગાંધીનગર શા માટે જાય છે ? તેઓ જિલ્લામાં વિવિધ ખાણલીઝની મુલાકાતો શા માટે લ્યે છે ? જિલ્લાનાં ખાણઉદ્યોગથી સરકારની તિજોરીમાં વર્ષે કેટલાં નાણાં જમા થાય છે ? આ નાણાં પૈકી કેટલાં નાણાં ખાણિયાઓનાં(કામદારોનાં) કલ્યાણ કે સુવિધાઓ માટે ખર્ચ થાય છે ? ખનિજચોરીઓ થાય છે કે કેમ ?! વગેરે કોઈ જ વિગતો આ તંત્ર જાહેર કરતું નથી !

કયારેક કયારેક પોલીસતંત્ર દ્વારા ખાણમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીઓ થતી હોય છે ત્યારે પણ ખાણખનિજ તંત્ર નવી વહુની માફક રસોડામાં સંતાઈ સઘળું જોતું હોય છે ! તંત્ર કોની, શા માટે લાજ કાઢી રહ્યું છે ?! એ પ્રશ્નનો જવાબ જાણવાની સૌને તમન્ના હોય તે સમજી શકાય તેવી બાબત છે.

ADVERTISEMENT

રાજયની ટીમે જામનગર સુધી લાંબા થવું પડે છે
જામનગર ખાણખનિજ તંત્રનું ચારિત્ર્ય એ વાત પરથી જ ખૂલ્લું પડી જાય છે કે, જિલ્લાનાં ખાણમાફિયાઓને અંકુશમાં રાખવા છેક ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ ટીમોએ અહીં જામનગર હાલારમાં આવવું પડે છે. તેવી સ્થિતિનું સર્જન થયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT