મહેસાણામાં ભેંસ દોહવા ગયેલા યુવક પર વીજળી પડતા મોત, એકના એક દીકરાના મોતથી પરિવાર આઘાતમાં
કામિની આચાર્ય/મહેસાણા: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલથી અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની…
ADVERTISEMENT
કામિની આચાર્ય/મહેસાણા: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલથી અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે મહેસાણા શહેરમાં મોડી રાત્રે બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. જ્યારે જિલ્લાના ગઢ ગામમાં વીજળી પડતા એક 25 વર્ષના આશાસ્પદ યુવકનું મોત થયું છે.
વહેલી સવારે ભેંસ દોહવા ગયો હતો યુવક
વિગતો મુજબ મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. કડાકા-ભડાકા સાથે મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં જિલ્લાના ગઢા ગામમાં વહેલી સવારે ભેંસોનું દૂધ દોવા માટે ગયેલા કનીશ ચૌધરી નામના યુવક પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરિવારમાં એકના એક દીકરાનું મોત થતા મા અને બહેન હવે નોંધારા બન્યા છે. કનીશના પિતાનું પણ નાની ઉંમરે અવસાન થયું હતું, એવામાં હવે દીકરાનું પણ 25 વર્ષની વયે અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મહેસાણા સાથે પાટણ-બનાસકાંઠામાં પણ વરસાદ
મહેસાણાની સાથે સાથે બનાસકાંઠા તથા પાટણ જિલ્લામાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં બનાસકાંઠામાં ભારે વરસાદથી દાંતા-આબુ હાઈવે પાણી ભરાઈ ગયા હતા. હાઈવે પર ભુવો પડી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પાલનપુર તથા લાખણીમાં 3-3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પાટણ શહેરમાં બે ઈંચ, સરસ્વતી તાલુકામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ADVERTISEMENT
આજે ક્યાં-ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે આણંદ, ભરુચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ તથા પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT