મહીસાગરઃ ત્રણેય બેઠક પર કોંગ્રેસે મુક્યા કોઈ જીતેલા તો કોઈ હારેલા નેતા, OBC ફેક્ટર કરશે અસર?
મહીસાગરઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ 37 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી જે સાથે જ કોંગ્રેસે મહિસાગર જિલ્લાની ત્રણેય બેઠકો પર જાહેર કરેલા નામોને પગલે હાલ…
ADVERTISEMENT
મહીસાગરઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ 37 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી જે સાથે જ કોંગ્રેસે મહિસાગર જિલ્લાની ત્રણેય બેઠકો પર જાહેર કરેલા નામોને પગલે હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસીનોર બેઠકો પર ઉતારવામાં આવેલા ત્રણેય ખેલાડીઓ પૈકી કોઈ અગાઉ જીતેલા તો કોઈ અગાઉ હારનો સ્વાદ ચાખી ચુકેલા નેતા છે. તો આ બેઠકો પર અગાઉના પરિણામોને જોતા શું ચિત્ર ઉપસે છે તેના વિશે વધુ જાણીએ.
લુણાવાડા બેઠક
ગુજરાત વિધાનસભાની 122 નંબરની લુણાવાડા બેઠક પર કોંગ્રેસે આખરે ઓબીસી ઉમેદવારની પસંદગી કરી છે. આ કારણે હાલ તો અહીં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે. વર્ષ 2019માં લુણાવાડા બેઠકની પેટાચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવક સામે 12 હજાર જેટલા જંગી મતોથી હાર્યા હતા. લુણાવાડા વિધાનસભા બેઠક માટે ઓબીસી સમાજ દ્વારા કોંગ્રેસને આ બેઠક પર ઓબીસી નેતાને ઉમેદવારી આપવા રજૂઆત તો કરી હતી. જોકે તેમના નામની જાહેરાત સાથે તેમની આ રજૂઆત ફળી હોય તે સ્પષ્ટ થઈ રહ્યું છે. કોંગ્રેસના મોવડી મંડળે ગુલાબસિંહને ફરી એક વખત રિપીટ કર્યા છે અને તક આપી છે. વર્ષ 2017માં લુણાવાડા બેઠક પર અપક્ષ ઉમેદવાર અને ઓબીસી નેતા રતનસિંહ રાઠોડ જીત્યા હતા. જોકે હાલ પણ અગાઉની ચૂંટણી જેવું જ ચિત્ર છે, કારણ કે ફરી એક વખત આ બેઠક પર જીજ્ઞેશ સેવક અને ગુલાબસિંહ વચ્ચે જંગ જામવાનો છે હવે જોવાનું રહ્યું કે બેઠક પર બાજી કોણ મારી જાય છે.
સંતરામપુર બેઠક
123 નંબરની સંતરામપુર બેઠકનો જેવો નંબર છે તેવો જ અહીંની જનતાનો મીજાજ પણ છે. કયા નેતાને ક્યારે વન, ટુ, થ્રી કરી દે કાંઈ કહેવાય નહીં. આ બેઠક પર કોંગ્રેસે ગેંદલભાઈ ડામોરને ટિકિટ આપી છે. ગેંદલભાઈ ડામોર વર્ષ 2012માં સંતરામપુર બેઠક પર ભાજપને હરાવી ચુક્યા છે. તેઓને કોંગ્રેસે વર્ષ 2017માં પણ ટિકિટ આપી હતી. જોકે તે વખતે જનતાએ તેમને જાકારો આપ્યો હતો અને ભાજપના ડો. કુબેર ડીંડોર જીતી ગયા હતા. હવે વર્ષ 2022ની ચૂંટણીમાં પણ સીલસીલો આવો જ કાંઈક ચાલી રહ્યો હોય તેવું છે. કારણ કે અહીં આમ આદમી પાર્ટીની જનતામાં એવી ફેમ નથી દેખાઈ રહી, જેવી આ બંને નેતાઓની જોવા મળી રહી છે. જેના કારણે અહીં જાણે ફરીથી ભાજપના ડીંડોર અને કોંગ્રેસના ડામોર વચ્ચે સીધો જંગ જોવા મળશે અને આગામી દિવસો જ બતાવશે કે સંતરામપુર બેઠકની જનતા કયા નેતાને અપનાવે છે અને કોને વન, ટુ, થ્રી કરે છે.
ADVERTISEMENT
બાલાસિનોર બેઠક
ગુજરાત વિધાનસભાની 121 બાલાસિનોર બેઠક પર કોંગ્રેસે હાલના સિટીંગ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે. આ બેઠક પર પોતાના જ જુના ખેલાડીને રિપીટ કરવા કોંગ્રેસ માટે અનિવાર્ય પણ હતા કારણ કે તેમની અહીંની લોકપ્રિયતાને નકારી શકાય તેમ નથી. વર્ષ 2017માં બાલાસિનોર બેઠક માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્ય માનસિંહ ચૌહાણને ભાજપ દ્વારા ફરી ઉમેદવારી આપવામાં આવી હતી. જોકે તે વખતે પક્ષપલટો કરનારા નેતા માનસિંહ ચૌહાણને જનતાએ જાકારો આપ્યો હતો અને અજીતસિંહ ચૌહાણ ચૂંટણી જીતી ગયા હતા. હવે ફરી ભાજપે માનસિંહ ચૌહાણને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જેમની સામે કોંગ્રેસે અગાઉ આ બેઠક તે જ નેતા સામે જીતી ચુકેલા અજીતસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. આ તરફ આ બેઠક પર આમ આદમી પાર્ટી પણ ટક્કરના નેતા સાથે ઉતરી છે. કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં ગયેલા ઉદેસિંહ ચૌહાણને આપે ટિકિટ આપી છે. જેથી આ બેઠક પર ત્રીપાંખીયો જંગ જોવા મળે તો નવાઈ નહીં.
કોના આંગણે ફટાકડા ફૂટશે?
આમ ત્રણેય બેઠકો પર જે પણ નેતાને ટિકિટ મળી તેમના સમર્થકો હાલ તો ફટાકડા ફોડીને ઉત્સવ મનાવી રહ્યા છે, પરંતુ આગામી સમયમાં ચૂંટણી જંગ દરમિયાન મતદારોને પોતાની નેતાગીરીથી શું આપી શકે છે તે સાબિત કરી બતાવનારને જનતા ચૂંટી કાઢશે અને ત્યારે કયા નેતાના આંગણે ફટાકડા ફૂટશે તે આગામી 8 ડિસેમ્બરે સ્પષ્ટ થશે.
(વીથ ઈનપુટઃ વિરેન જોશી, મહીસાગર)
ADVERTISEMENT
ADVERTISEMENT