‘MLA બન્યા પછી પક્ષપલટો નહીં કરું’- જામનગર ગ્રામ્યના AAP ઉમેદવારનું સોગંદનામુ
જામનગરઃ નેતાઓ પ્રજા સામે મોટી મોટી વાતો કર્યા પછી ઘણા એવા છે કે જેઓ લાભ દેખાય ત્યારે પક્ષ પલટી નાખતા હોય છે. જેના કારણે સરકારી…
ADVERTISEMENT
જામનગરઃ નેતાઓ પ્રજા સામે મોટી મોટી વાતો કર્યા પછી ઘણા એવા છે કે જેઓ લાભ દેખાય ત્યારે પક્ષ પલટી નાખતા હોય છે. જેના કારણે સરકારી કામગીરી પણ ફેર ચૂંટણી અને તેના ખર્ચાને લઈ વધી જતી હોય છે. જોકે આ સમયમાં કોઈ નેતા એવું કહે કે હું જીત્યા પછી પક્ષ પલટો નહીં કરું તો શું માનવામાં આવે? જોકે ભારતના ઈતિહાસમાં અગાઉ પણ ઘણા ઉમેદવારો પ્રતિજ્ઞા લઈને, નદીના જળ લઈને પક્ષ પલટો નહીં કરવાના સમ ખાઈ ચુક્યા છે અને તોડી પણ ચુક્યા છે. પણ અહીં તો આ ઉમેદવારે સોગંદનામુ જ કરી દીધું છે કે પોતે પ્રજાદ્રોહ નહીં કરે.
પગાર પણ નહીં લઉંઃ પ્રકાશ દોંગા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ગ્રામ્ય બેઠક પરથી આમ આદમી પાર્ટી માટે ઉમેદવારી કરી રહેલા પ્રકાશ દોંગાએ પોતે ધારાસભ્ય બન્યા પછી પગાર અને તે સાથે મળતી સુવિધાઓ નહીં લે તેવી જાહેરાત કરી છે. તેમણે તો આ બાબતનું સોગંદનામુ પણ કરી નાખ્યું છે. જે હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયું છે. તેમણે ડિસેમ્બર 2022માં ચૂંટણી જીત્યા પછી પક્ષ પલટો પણ નહીં કરું તેવું સોગંદનામામાં પણ લખ્યું છે. સાથે જ તેમણે પક્ષ પલટો નહીં કરું વેચાઈશ નહીં તેવી વાત પણ સોગંદનામામાં મુકી છે. અહીં આપને જણાવી દઈએ કે પ્રકાશ દોંગા પોતે પણ એક વ્યવસાયે વકીલ છે અને પોતાના વિસ્તારમાં પણ તેઓ નામના ધરાવે છે.
પગાર વધારા માટે વિધાનસભામાં થઈ હતી સર્વસંમતિ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો, નેતાઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ વિધાનસભામાં ધારાસભ્યના પગારને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો. જોકે આશ્ચર્ય તે વાતનું હતું કે ધારાસભ્યના જંગી પગાર વધારાના બીલનો વિરોધ એક પણ નેતાએ કર્યો ન હતો અને બહુમતી સાથે તે નિર્ણય પસાર થયો હતો. જે પછી હવે સોશિલય મીડિયા પર લોકો ધારાસભ્યને મળતી મફત સુવિધાઓ, પગાર વગેરે બાબતો પર ચર્ચાઓ કરતા થયા છે. દરમિયાન લોકો ધારાસભ્યોના પગારને લઈને પ્રશ્નો પણ કરી રહ્યા છે. ઉપરાંત લોકોને ઘણી વખત પોતાના નેતાના કડવા અનુભવ થયા છે કે તેઓ જીત્યા પછી પક્ષ પલટો કરી દેતા હોય છે.
ADVERTISEMENT
ખોટું સોગંદનામુ કરવું ફોજદારી ગુનો હોવાની મને જાણ છેઃ દોંગા
સોગંદનામામાં પ્રકાશ દોંગા લખે છે કે, હું સોગંદનામુ કરું છું કે ડિસેમ્બર 2022 વિધાનસભામાં ચૂંટણી જીત્યા પછી ધારાસભ્યને મળતો પગાર તથા સરકાર તરફથી મળતી એક પણ સુવિધાઓ હું નહીં લઉં. પહેલા જ દિવસે વિધાનસભા અધ્યક્ષને પગાર તથા સુવિધા ન આપવા અરજી કરીશ. ચૂંટણી જીત્યા પછી પ્રજાદ્રોહ નહીં કરું, આમ આદમી પાર્ટી સિવાયની કોઈ પણ પાર્ટીમાં ચૂંટણી લડવા માટે રાજીનામું નહીં આપું, વેચાઈશ નહીં. હું મારા ધર્મના સોગંદ પર જાહેર કરું છું. ખોટું સોગંદનામું કરવું એ ફોજદારી ગુનો છે તેની મને જાણ છે.
કોંગ્રેસના આ નેતાએ પણ પગાર નહીં લેવાની વાત કરી
પગાર નહીં લેવાની વાત અગાઇ કોંગ્રેસના એક ઉમેદવાર પણ કરી ચુક્યા છે. તાલાલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડિયાએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને સંબોધતા વચન આપ્યું કે, હું ધારાસભ્ય તરીકે પગારનો એક રૂપિયો નહીં લઉં. ધારાસભ્ય તરીકેનો મારો પગાર ગરીબ લોકોના કામ માટે, કન્યાઓ માટે, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ સક્ષમ બનાવવા માટે આપીશ.
ADVERTISEMENT
ADVERTISEMENT