‘ઈન્દ્રનીલભાઈની CM બનવાની ઈચ્છા કોંગ્રેસ પુરી કરે તેવી શુભેચ્છા’- પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો કટાક્ષ: જાણો વધુ શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત આમ આદમી પાર્ટીને ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પક્ષ પલ્ટો કરીને મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત આપમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કોંગ્રેસ સાથે જોડાઈને ઘરવાપસી કરી છે. આ મામલામાં જ્યારે હમણાં જ આપ નેતા રાજભા ઝાલાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ પણ નારાજ હોય તેવું મને લાગે છે તો તેના થોડા જ સમયમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કોંગ્રેસમાં જોડાયા હોવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. મતલબ કે ક્યાંકને ક્યાંક આંતરિક ગણગણાટ ચાલી રહ્યો હોય તેવો અંદાજ રાજકીય પંડીતો લગાવી રહ્યા છે. આ સમયમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જાહેરમાં આવી વાત કરી છે. તેમણે આ બાબતમાં વાત કરતાં કટાક્ષ કરવાની પોતાની છબી પ્રમાણે કહ્યું કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુની મુખ્યમંત્રી બનવાની ઈચ્છા કોંગ્રેસમાં પુરી થાય તેવી શુભેચ્છાઓ છે.

ઈશુદાનના નામની જાહેર થતા રાજ્યગુરુના અરમાન થયા પુરા
ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જ પોતાના પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીના નામ પર મહોર લગાવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ રેસમાં ગોપાલ ઈટાલિયા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુનું પણ નામ ચાલતું હતું. જોકે ઈન્દ્રનીલ રાજ્યગુરુ છેલ્લા કેટલાક સમયથી પોતાને મુખ્યમંત્રી તરીકેનો ચહેરો જાહેર કરવામાં આવે તે બાબત પર પાર્ટી પર દબાણ કરી રહ્યા હોવાનું ગોપાલ ઈટાલિયાનું કહેવું છે. ઈશુદાનના નામની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવતા તેઓ નારાજ થયા હોવાની વાતને પાર્ટી પ્રમુખ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.


15 ટિકિટોની ફાળવણી પણ ઈન્દ્રનીલભાઈ માગતા હતાઃ ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાએ આ મુદ્દે કહ્યું કે, આજે આપના ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટી છોડી છે. આ મામલે જણાવવાનું કે, ઈન્દ્રનીલભાઈ છેલ્લા ઘણા સમયથી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે પોતાનું નામ જાહેર કરવામાં આવે તેવી ઈચ્છા ધરાવતા હતા. આ તેમની ઈચ્છા પુરી કરવા ઘણા સમયથી પાર્ટી પર દબાણ કરતા હતા. પાર્ટીએ કહ્યું હતું કે, ગુજરાતની જનતા જે કેશે, જે નક્કી કરશે તે વ્યક્તિને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કરવામાં આવશે. જનતાનો પ્રેમ હંમેશાથી ખેડૂત પૂત્ર ઈશુદાનભાઈ ગઢવી પર રહ્યો છે. આજે જ્યારે તેમને ખબર પડે છે કે તેમને મુખ્યમંત્રી પદનો ચહેરો પાર્ટી દ્વારા બનાવવામાં નથી આવતો તો તેમણે તેમનો નિર્ણય લીધો. આ ઉપરાંત તેઓ 15 ટિકિટની ફાળવણી પોતે કરશે તે બાબતનું દબાણ પણ પાર્ટી પર બનાવી રહ્યા હતા. કુલ મળીને મુખ્યમંત્રી પદનો પાર્ટીનો ચહેરો પોતાને બનાવાય અને 15 ટિકિટોની ફાળવણી પોતાને આપવામાં આવે તે બાબતોને લઈ પાર્ટી પર દબાણ કરતા હતા. આપ પાર્ટી જનતા નક્કી કરે છે તે જ લાગુ કરે છે. પાર્ટી જ્યારે તેમના દબાણ વશ ન થઈ ત્યારે ઈન્દ્રનીલ ભાઈએ આજે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે. હું કોઈ ટીકા ટિપ્પણી નહીં કરું પણ ઈન્દ્રનીલભાઈને શુભેચ્છા આપું છું કે તેમની સીએમ બનવાની ઈચ્છા કોંગ્રેસ પુરી કરે અને કોંગ્રેસ તેમને સીએમ પદનો પાર્ટીનો ચહેરો બનાવે તેવી શુભેચ્છાઓ.

ADVERTISEMENT

(Urvish Patel)

    follow whatsapp

    ADVERTISEMENT