અહિતો મર્યા પછી પણ રસ્તા નડે છે, આ છે ગુજરાતનો વિકાસ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ખેડા, હેતાલી શાહ: ગુજરાતને મોડલ તરીકે તૈયાર તો કરવામાં આવ્યું પણ ગુજરાતનો વિકાસ જાણે મહાનગરો પૂરતો જ સીમિત રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. દેશમાં ગુજરાતને મોડલ ગણાવવામાં આવે છે પરંતુ જ્યારે વાત નાના ગામની આવે તો જાણે વિકાસને સાપ સૂંઘી જાય છે. ચૂંટણી આવી અને જતી રહે છે પરંતુ અમુક રસ્તાઓ તો હજુ પણ નથી થયા અને લોકો કાગડોળે રસ્તા બનવાની રાહ જોતાં થાક્યા છે. રસ્તા મૃત્યુ બાદ પણ લોકોને નડ્યા છે. આ ઘટના ગુજરાતના મહેમદાવાદ તાલુકાના એરેરી ગામના લલ્લુપુરા વિસ્તારની છે. જેમાં લોકો નનામી કાદવ કીચડમાંથી કાઢી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

મહેમદાવાદ તાલુકાના એરેરી ગામના લલ્લુપુરા વિસ્તારમાં બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહુધા રોડ પર આવેલ અરેરી રામદેવ હોટલ પાસેથી સીમ વિસ્તાર લલ્લુપુરામાં જવાનો રસ્તો બન્યો જ નથી. જેના કારણે જ્યારે વરસાદ પડે ત્યારે આ રસ્તો કાદવ કીચડ વાળો બની જાય છે. જેને લઈને આ રસ્તેથી પસાર થતા ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં સ્કુલે જતા વિધાર્થીઓ, મોટી ઉંમરના વ્યક્તિઓને કાદવ કીચડ વાળો રોડ પસાર કરવામા ભારે તકલીફનો સામનો કરવો પડે છે.

હાલમાં ચોમાસા દરમ્યાન વરસાદી માહોલ છે અને આ લલ્લુપુર વિસ્તારમાં વરસાદ વરસતા જ રસ્તો કાદવ કીચડવાળો બનતા આ રસ્તેથી નનામી લઈને જવામાં પણ ગ્રામજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. નનામી લઈને જઈ રહેલા લોકો કાદવમાંથી પસાર થતા દ્રશ્યો ગુજરાતના વિકાસની વાતોની પોલ ખોલી રહ્યા છે. અવારનવાર ગ્રામજનો દ્વારા સત્તાધિશોને રજુઆત કરાઈ છે. પરંતુ હજી સુધી કોઈ નક્કર પરીણામ મળ્યુ નથી. ત્યારે આ વિસ્તારમાં રસ્તો સત્વરે બને તેવી માંગ પ્રબળ બની છે. ચૂંટણી નજીક આવતા કહેવાતા રાજકીય આગેવાનો લોકોના આ પ્રાણ પ્રશ્નનું નિરાકરણ લાવશે કે પછી લોકોની સમસ્યા હતી તેમની તેમ રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT