‘હાલ લોકો તકેદારી રાખે, સ્થિતિ વણસી તો નિયમો કડક કરીશું’ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગર: દેશમાં હાલમાં કોરનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7ના કુલ 5 કેસ નોંધાયા છે જેમાંથી બે ગુજરાતમાં છે. હજુ પણ રાજકોટ અને ભાવનગર સહિત ઘણા…
ADVERTISEMENT
ગાંધીનગર: દેશમાં હાલમાં કોરનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7ના કુલ 5 કેસ નોંધાયા છે જેમાંથી બે ગુજરાતમાં છે. હજુ પણ રાજકોટ અને ભાવનગર સહિત ઘણા વિસ્તારોમાં દર્દીઓ BF.7ને લઈને શંકાસ્પદ જોવા મળી રહ્યા છે ત્યારે હાલની સ્થિતિને લઈને ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં કોરનાના મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, હાલ ગુજરાતની સ્થિતિ એટલી ગંભીર થઈ નથી તેથી કડક નિયમો લાગુ કરવાની હાલ કોઈ વાત નથી. હાલ લોકો કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે વર્તન કરે તે યોગ્ય છે. સરકાર કેન્દ્રની ગાઈડલાઈન્સથી આગળ વધશે. ઉલ્લેખનીય છે કે હાલના જ સમયમાં અમદાવાદમાં ફ્લાવર શો અને કાંકરિયા કાર્નીવલ યોજાવાનો છે જેમાં નિશ્ચિત જ મોટી સંખ્યામાં લોકોના ટોળા થશે. જોકે તંત્રએ લોકોને તૈયારી રાખવાનું કહ્યું છે પરંતુ અહીં આ કાર્યક્રમો યોજાશે તેવું હાલ પુરતું શહેરના મેયર પણ જણાવે છે.
નાઈટ કરફ્યૂ અને લોકડાઉનની ચર્ચાઓનું મંત્રીએ કર્યું ખંડન
બુધવારથી જ ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના સબ વેરિએન્ટ BF.7ને લઈને લોકોમાં ચર્ચાઓનો દૌર શરૂ થયો હતો. ફરી લોકડાઉન સહિતની વાતો વહેતી થઈ હતી. જોકે ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ અંગે વાત કરવામમાં આવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કોરોનાની ગાઈડલાઈનના પાલનમાં ક્યાંય કાચુ ન કપાય તેની તકેદારી રાખવા સૂચન આપ્યા હતા. વિદેશથી આવતા પ્રવાસીઓનું પણ ફરીથી એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવશે. ઉપરાંત આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બેઠક બાદ કહ્યું કે, જાહેર કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સથી લઈને, સેનિટાઈઝરના ઉપયોગ, માસ્ક વગેરે જેવી કોરોનાની તકેદારીઓ રાખવાની ખાસ સૂચનાઓ છે. ગુજરાતમાં નાઈટ કરફ્યૂ કે અન્ય કોઈ કડક નિયમો લાગુ કરવાના પ્રશ્ન અંગે તેમણે કહ્યું કે, હાલ બીજા દેશોમાં સ્થિતિ ખરાબ છે. ભારતમાં કે ગુજરાતમાં આવી કોઈ ગંભીર સ્થિતિ આવી નથી. સ્થિતિ વધુ બગડતી જણાશે તો તેવા કોઈ નિર્ણય કરીશું હાલ કોઈ કડક નિયમો લાગુ કરવાનું નક્કી નથી કર્યું.
પ્રધાનો અંગે પણ બન્યા નિયમો
બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનો માટે પણ નિયમો બનાવ્યા હતા. જેમાં ખાસ કરીને હવેથી માત્ર સોમવારે જ સામાન્ય મુલાકાતીઓને મુલાકાત માટે સમય ફાળવવામાં આવશે. મંગળવારને ધારાસભ્ય અને તેમની સાથે મુલાકાત માટે અનામત રખાશે. શુક્રવાર સાંજ સુધી તમામ પ્રધાનોએ ફરજિયાત ચેમ્બરમાં રહેવું પડશે. મુલાકાતીઓએ ચેમ્બરમાં પ્રવેશતા પહેલા ફોન જમા કરાવવા પડશે. તમામ પ્રધાનો ફક્ત બુધવારે જ કેબિનેટ પછી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળી શકશે. સાથે જ પ્રધાનોએ પોતાના વિભાગની મુલાકાત અને બેઠકો સતત કરવાની રહેશે.
ADVERTISEMENT
તંત્રની અગમચેતી
સાથે જ તેમણે કહ્યું હતું કે, લોકોએ ખાસ પોતાની તકેદારી રાખવાની છે, કોરોનાના નિયમોનું પાલન કરવા પણ તેમણે અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે કોરોના સમયમાં થયેલી સ્થિતિને ધ્યાને રાખીને અમદાવાદની તમામ હોસ્પિટલને દવા સહિતના જરૂરી સ્ટોક્સ રાખવા સૂચન કરાયું છે. ઉપરાંત કોરોનાના વોર્ડ અને 1200 બેડ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્ટાફને પણ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. ભાવનગરમાં ચીનથી આવેલા વેપારીનો કોરોના પોઝિટિવ આવતા ભાવનગરમાં ટેસ્ટિંગ વધારવા કહ્યું છે. આ તરફ સુરત કોર્પોરેશને દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ અને કેસની શક્યતાઓને લઈને 4 હોસ્પિટલ જેમાં 50 – 50 બેડ હોય તે શરૂ કરી છે. સુરતના અડાજણ, વેસુ, પાલ અને પાંડેસરામાં આ પ્રકારની ચાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT