Gopal Italiaએ કહ્યું, સરકારની જાહેરાત ચૂંટણી લક્ષી, ગ્રેડ પે કેજરીવાલની સરકાર અપાવશે
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા આજે પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. LRDથી લઈને ASI સુધીના પોલીસકર્મીઓના પગારમાં સરકારે વધારો કર્યો છે. ત્યારે…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા આજે પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. LRDથી લઈને ASI સુધીના પોલીસકર્મીઓના પગારમાં સરકારે વધારો કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia) આ મુદ્દે પોલીસ કર્મચારીઓના સંઘર્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે સરકારની તપાસ સમિતિએ સોંપેલા અહેવાલને ગુજરાતની જનતા સમક્ષ મૂકવા માટે માંગણી કરી છે.
કેજરીવાલના એક નિવેદનથી ભાજપના લોકો પોલીસની વાત સાંભળવા મજબૂર
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ગ્રેડ પે વધારવા પોલીસે વારંવાર અવાજ ઉઠાવ્યો, દરેક વખતે ભાજપની સરકારે અવાજ દબાવવાનું કામ કર્યું. પરંતુ આખરે કહેવાય છે કે સત્ય ક્યારેય છુપાતું નથી. અરવિંદ કેજરીવાલે પોલીસને બાંહેધરી આપતા જ ગુજરાત પોલીસે આ વાતને ઉત્સાહથી વધાવી લીધી. આમ કેજરીવાલના એક નિવેદનથી ભાજપના લોકો પોલીસની વાતો સાંભળવા મજબૂર બન્યા. મેં પોતે પણ ગુજરાત પોલીસમાં 4 વર્ષ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી છે. 16 વર્ષથી ગુજરાત પોલીસના પગારમાં વધારો થયો નથી. પરંતુ આજે 550 કરોડનું પેકેજ જાહેર કરાયું છે, જેમાં પોલીસની માગણી પર કોઈ ઉલ્લેખ કરાયો નથી, 550 કરોડની વાત પર હું ગુજરાત સરકાર અને મંત્રીને આભાર વ્યક્ત કરું છું. સંઘર્ષ કરનારા પોલીસકર્મીઓને આભાર વ્યક્ત કરું છું.
ADVERTISEMENT
તપાસ સમિતિની ભલામણે જનતા સામે મૂકવા માંગ
તેમણે વધુમાં કહ્યું, આજે ગૃહમંત્રીએ પગાર વધારીને સ્વીકારી લીધું કે પોલીસની માંગણીઓ વ્યાજબી હતી, ત્યારે જે પોલીસકર્મીઓ પર FIR કરાઈ છે, બદલી કરાઈ છે, તેમનું શું થશે? આ વિશે મુખ્યમંત્રી અને મંત્રીએ જવાબ આપવો જોઈએ. મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 28-10-2021ના રોજ કમિટી બનાવી અને તેમણે અલગ અલગ મિટીંગ કરી. જેમાં પોલીસે સૂચનો આપ્યા. 10 મહિનામાં કમિટીએ જે તપાસ કરી. ગુજરાતની ભાજપ સરકારે સમિતિએ ભલામણ કરેલો અહેવાલ ગુજરાતની જનતાને આપવો જોઈએ. ગ્રેડ પે બાબતે શું તારણ કાઢ્યું, રજા પગાર વિશે શું તપાસ કરી. પોલીસમાં ઓવરટાઈમ છે એને લઈને સમિતિએ શું તપાસ કરી? નોકરી દરમિયાન પોલીસને જીવનું જોખમ છે આ બાબતે શું વિચાર રજૂ કર્યો. પોલીસ બિમાર પડે તો મેડિકલ સહાય માટે સમિતિએ શું તપાસ કરી?
સરકારની જાહેરાત ચૂંટણી લક્ષી
તેમણે આગળ કહ્યું, 10-10 મહિના સુધી તપાસ સમિતિએ તપાસ કરી અને છેલ્લે કોથળામાંથી 550 કરોડનું બિલાડું કાઢ્યું. પોલીસે મૂળ માંગણી મૂકી છે, તેના પર કોઈ અભિપ્રાય રાખવામાં આવ્યો નથી. જે બતાવે છે કે સરકારે માત્ર ચૂંટણી લક્ષી જાહેરાત કરી છે. મારી પોલીસને વિનંતી છે ભાજપની સરકારે જે આપ્યું તે હસી-ખુશીથી લઈ લઈએ. કેજરીવાલની સરકાર ગ્રેડ પે આપશે. આઝાદીનો અમૃત મહોત્સવ ચાલે છે, અમૃત બધુ ભાજપના નેતાઓ પી ગયા, જનતાના ભાગમાં પેકેજો-પડીકાઓ છે. આ વસ્તુ યોગ્ય નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસકર્મીઓને 550 કરોડનું પેકેજ અપાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોલીસકર્મીઓ માટે જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને પોલીસકર્મીઓ માટે રૂ.550 કરોડનું પેકેજ મંજૂર કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે સુરતમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર કચેરી ખાતે એક કાર્યક્રમમાં LRDથી લઈને ASI સુધીના પોલીસ કર્મીઓના પગારમાં વધારાની જાહેરાત કરી હતી.
કોના પગારમાં કેટલો વધારો અપાયો?
હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસ વિભાગમાં હાલ LRDને હાલમાં વર્ષે કુલ મળીને 2,51,100 રૂપિયા પગાર મળે છે, નવો પગાર વધારીને 3,47,250 કરાયો છે. કોન્સ્ટેબલનો હાલનો પગાર રૂ. 3,63,660 થાય છે, જે હવે વધીને 4,16,400 રૂપિયા કરાયો છે. હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હાલ 4,36,656 રૂપિયા છે, જે હવે 4,95,394 રૂપિયા કરાયો છે. જ્યારે ASIને વર્ષે રૂ. 5,19,354 મળે છે, તે હવે વધારીને હવે તેમનો વાર્ષિક પગાર 5,84,094 રૂપિયા કરાયો છે.
ADVERTISEMENT