છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિ માટે સગીરાનું અપહરણ, બે ભુવાએ નિવસ્ત્ર કરી શરીરે કંકુ લગાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકામાં ભુવાની કાળી કરતૂત સામે આવી રહી છે. જેમાં તાંત્રિક વિધિ માટે સગીરાનું ઘરેથી અપહરણ કરીને બે ભુવાને સોંપી દેવામાં આવી હતી. આ ભુવાએ ગામના એક મકાનમાં સગીરાને રાખી અને વિધિના બહાને નિર્વસ્ત્ર કરીને શરીરના અલગ અલગ ભાગમાં કંકુના ચાંદલા કર્યા હતા. બાદમાં સગીરાને પાણી જેવું પ્રવાહી પીવડાવીને શરીરે અડપલા કર્યા હતા. જે બાદ સગીરાને ઘરે પરત મોકલાઈ હતી. સમગ્ર મામલે ક્વાંટ પોલીસે 5 લોકો સામે ગુનો નોંધ્યો છે.

પાડોશમાં રહેતી મહિલા-યુવક લગ્નમાં જવાના બહાને વિધિ કરાવા લઈ ગયા
વિગતો મુજબ, ક્વાંટ તાલુકાની સગીરા ઘરે એકલી હતી ત્યારે ગામની એક મહિલા એને યુવક લગ્નમાં લઈ જવાનું કહીને પોતાની સાથે બાઈક પર લઈ ગયા હતા. આ બાદ નસાવાડીના કડુલી મોહુડી ચોકડીથી તણખલા ગામે જવા ઈકો કારમાં સગીરાને બેસાડીને લઈ ગયા. ગામ નજીક એક મકાનમાં તાંત્રિક વિધિ માટે બે ભુવાને સગીરા સોંપી દેવાઈ હતી. ભુવાઓએ સગીરાને નિર્વસ્ત્ર કરીને શરીરના અલગ અલગ ભાગોમાં કંકુના ચાંદલા કર્યા હતા. બાદમાં ગળામાં દોરો અને પગમાં નારિયેળ બાંધી દીધા હતા. યુવતી પાસે તાંત્રિક વિધિ માટે મંત્રો પણ બોલાવાયા હતા.

ભુવાએ પાણી જેવું પ્રવાહી પીવડાવતા સગીરા બેભાન થઈ
આ બાદ યુવતીને ઈંચકી આવતા તેને પાણી જેવું પ્રવાહી પીવડાવવામાં આવ્યું અને તે બેભાન થઈ ગઈ. આખરે 3 કલાકે યુવતીને ભાન આવી ત્યારે તેને લઈ જનાર મહિલાએ ધમકી આપી કે, છાની માની રહેજે, કોઈને કશુ કહેતી નઈ અને કહીશ તો તને જાનથી મારી નાખીશ. બાદમાં સગીરાને લઈ જઈને તેના ઘરે પરત મૂકી આવ્યા હતા. જોકે ઘરમાં સગીરા એકદમ ચૂપ રહેતી હોવાથી પરિવારે તેને પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી.

ADVERTISEMENT

ભુવા સહિત 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ
જે બાદ ક્વાંટ પોલીસ સ્ટેશનમાં બે ભુવા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, રાજ્યમાં અગાઉ તાંત્રિક વિધિના ચક્કરમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. થોડા સમય પહેલા જ રાજકોટમાં તાંત્રિક વિધિ બાદ પતિ અને પત્નીએ પોતાના માથા કાપીને હવનકુંડમાં હોમી દીધા હતા અને બંને ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT