વડોદરામાં કેનેડા મોકલવાની લાલચે પિતા-પુત્રની જોડીએ 60 લોકો પાસેથી 3 કરોડ પડાવી લીધા
વડોદરા: શહેરના નિઝામપુરામાં સાંઈ કન્સલ્ટન્સીના નામે ઓફિસ ધરાવતા પિતા-પુત્રની જોડીએ એક-બે નહીં પરંતુ 60 જેટલા લોકો સાથે છેતરપિંડી આચરીને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું. લોકોને…
ADVERTISEMENT
વડોદરા: શહેરના નિઝામપુરામાં સાંઈ કન્સલ્ટન્સીના નામે ઓફિસ ધરાવતા પિતા-પુત્રની જોડીએ એક-બે નહીં પરંતુ 60 જેટલા લોકો સાથે છેતરપિંડી આચરીને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું. લોકોને કેનેડા મોકલવાના બહાને પૈસા ઉઘરાવીને રાતો રાત ઓફિસના તાળા મારીને પિતા-પુત્ર ફરાર થઈ ગયા હતા, જે બાદ લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ, ગોરવા રિફાઈનરી રોડ પર આવેલી અંબિકાપાર્ક સોસાયટીમાં રહેતા નીલાબેન પરમાર હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. તેમણે 2022માં વિદેશમાં નોકરી કરવા માટે વિઝિટર વિઝા અને વર્ક પરમીટ માટે કાકાની દીકરી રેગીના પરીખનો સંપર્ક કર્યો હતો. રેગીનાએ પણ વિદેશ જવા સાંઈ કન્સલ્ટન્સીમાં રૂપિયા ભર્યા હતા જેને રાજેન્દ્ર શાહ નામની વ્યક્તિ ચલાવતો હતો. બાદમાં નીલાબેન પણ ત્યાં ગયા અને 10 લાખમાં કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાની વાત કરી. આથી નીલાબેને થોડા-થોડા કરીને 5 લાખ આપ્યા હતા અને બેંક બેલેન્સ બતાવવા વધુ 10 હજાર લીધા હતા.
જોકે માર્ચ 2023 સુધીમાં તેમની ફાઈલ તૈયાર ન થતા આખરે તેમણે પૈસા પરત માગ્યા હતા. એવામાં તેમને રૂ.5 લાખનો ચેક આપવામાં આવ્યો. જોકે ચેક બાઉન્સ થયો હતો. આથી તેઓ 6 જુલાઈએ ઓફિસે પૈસા લેવા ગયા તો રાજેન્દ્ર શાહે તેમને બે લાખ આપ્યા અને બાકીના પૈસા 11 જુલાઈએ લઈ જવા કહ્યું. આ બાદ રાજેન્દ્રભાઈ અને તેમના પુત્ર રિંકેશ શાહે ફોન બંધ કરી દીધો. તેઓ ઓફિસે ગયા તો ત્યાં પણ તાળા વાગ્યા હતા. નીલાબેન સિવાય અન્ય 59 લોકોએ પણ પિતા-પુત્ર સામે કેનેડા મોકલવાના નામે 3.04 કરોડ લઈને ઠગાઈ આચરી છે. આ અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT