‘કુડાના રણમાં 3 લોકો ફસાયા છે, તાત્કાલિક મદદ નહીં મળે તો મરી જશે’, ક્લિપ વાઈરલ થઈ ને અધિકારીઓ દોડ્યા
સાજિદ બેલિમ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડાના રણમાં બાઈક પર જઈ રહેલો એક પરિવાર રસ્તો ભૂલી જતા રણમાં ફસાઈ ગયો હતો. ત્યારે સ્થાનિક વ્યક્તિએ રણમાં…
ADVERTISEMENT
સાજિદ બેલિમ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડાના રણમાં બાઈક પર જઈ રહેલો એક પરિવાર રસ્તો ભૂલી જતા રણમાં ફસાઈ ગયો હતો. ત્યારે સ્થાનિક વ્યક્તિએ રણમાં 3 લોકો ફસાયો હોવાનો એક ઓડિયો બનાવીને વાઈરલ કર્યો હતો. આ ઓડિયો વાયરલ થતાં કલેકટરે મામલતદાર સહિતની ટીમો રણ તરફ રવાના કરી હતી અને દોઢ વર્ષની બાળકી સહિત પરિવારને બચાવી લાવ્યા હતા.
રણમાં પરિવાર ફસાઈ ગયો હતો
બનાવની વિગત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રાજેસરા ગામના 30 વર્ષીય હકીમ હાજીભાઈ તેની 29 વર્ષીય પત્ની જમિયત હકીમભાઈ અને દોઢ વર્ષની માસુમ પુત્રી રૂખસાના સાથે રણ વિસ્તારમાં આવેલા પોતાના વતન સાંતલપુરથી ધ્રાંગધ્રા આવી રહ્યા હતા. ત્યારબાદ રણમાં રસ્તો ભૂલી જતાં તેની બાઇક વરસાદમાં કાદવવાળા રસ્તા પર ફસાઈ ગઈ હતી. બાઇક એકલા હાથે તેમનાથી નીકળી શકે તેમ નહોતું. આથી હળવદ ટીકર રણના મનહરભાઈ ઠાકોર નામના અગરીયાએ રણમાં ત્રણ લોકો ફસાયા હોવાનો રેકોર્ડીંગ મેસેજ વાયરલ કર્યો હતો. મેસેજમાં તે બોલે છે, રણમાં ત્રણ લોકો ફસાયા છે. તેમની પાસે પીવાનું પાણી હોવા છતાં તેઓ પીવા માટે અસમર્થ છે. જો તેમને તાત્કાલિક મદદ ન આપવામાં આવી તો તેમનું અકાળે મૃત્યુ થઈ શકે છે. તેમની પાસે મોબાઈલ ફોન પણ છે, પરંતુ તે લોકોની હાલત એટલી દયનીય બની ગઈ છે કે તેઓ ફોન ઉપાડવા પણ સક્ષમ નથી.
ADVERTISEMENT
સામાજિક કાર્યકરો મદદે દોડી આવ્યા
બીજી તરફ કુડાના સામાજિક કાર્યકર ચકુજી ઠાકોરે ત્રણ વ્યક્તિઓ રણમાં ફસાયા હોવાના અને પીવાના પાણીના અભાવે તેમની હાલત નાજુક હોવાના સમાચાર સાંભળતા તેઓની મદદ માટે સ્વયંસેવકોની ટીમ તાત્કાલિક રણમાં મોકલવામાં આવી હતી અને આ ત્રણેય લોકોને પાણી અને નાસ્તો આપીને માનવતાની સુવાસ ફેલાવી હતી.
મામલતદાર પર ગાડી લઈને મદદે પહોંચ્યા
જ્યારે ધ્રાંગધ્રા મામલદાર ડી.એલ.ભાટીયાએ જણાવ્યું હતું કે, આ પરિવાર હવે સલામત છે. હાલ તેઓને જીપ દ્વારા લાવવામાં આવ્યા છે. બીજી તરફ નીમનગર આરોગ્ય વિભાગના ડો.ઘુવારા દ્વારા તપાસ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. અને આ બધું સામાન્ય હોવાનું જણાવાયું છે. ત્યારે હળવદ ટીકર રણમાં મીઠું પકવતા મનહરભાઈ ઠાકોરનો 38 સેકન્ડનો ઓડિયો મેસેજ, કલેક્ટરની સમયની પાબંદી અને સામાજિક કાર્યકર ચકુજી ઠાકોરની બહાદુરીએ રણમાં ફસાયેલી માસૂમ બાળકી, તથા માતા-પિતાને બચાવી લીધા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT