ભાજપની લોકોને ધાકધમકીઓ શરૂઃ અસામાજિક તત્વો અને પોલીસનો ઉપયોગઃ કોંગ્રેસ MLAએ લખ્યો ચૂંટણીપંચને પત્ર
અમદાવાદઃ અમદાવાદના દરિયાપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ભાજપ અને ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમણે ચૂંટણી પંચને એક પત્ર લખી…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના દરિયાપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ભાજપ અને ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમણે ચૂંટણી પંચને એક પત્ર લખી ચૂંટણી પંચ સામે ભાજપના ઉમેદરવાર સામે ડરનો માહોલ ઊભો કરવા સંદર્ભની વાત કરી છે. તેમણે આ મામલામાં કહ્યું છે કે, ભાજપ, કોંગ્રેસ અન્ય પક્ષો સહિત કટ્ટરવાદી સંગઠનો તથા અસામાજિક તત્વો પર આઈબી દ્વારા વોચ રાખવી જરૂરી છે. ભાજપ ઉમેદવાર જાહેર થતા અસામાજિક તત્વો તથા પોલીસ દ્વારા લોકોને ધાકધમકીઓ આપવાનું શરું કરાયું છે. ભાજપના ઉમેદવાર કૌશિક જૈન સામે 2007થી 2009 દરમિયાન શાહપુર વિસ્તારમાં અશાંતિ, અરાજકતા ફેલાવવા બાબતે ફરિયાદ દાખલ થઈ હતી.
ભાજપ સાથે ના હોય તેવા બુટલેગરોની યાદી મોકલોનો પત્ર મળ્યો છેઃ ગ્યાસુદ્દીન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ, આપ, બીટીપી, એઆઈએમઆઈએમ સહિત ઘણી બધી પાર્ટીઓ દ્વારા ચૂંટણી લડવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે તો ઘણા અપક્ષ ઉમેદવારો પણ છે. અમદાવાદની દરિયાપુર બેઠક આમ પણ ઘણી જ સંવેદનશીલ બેઠક રહી છે. ગેંગસ્ટર અબ્દુલ લતિફનો વિસ્તાર ગણાતી આ બેઠક સતત વિવાદો વચ્ચે રહી છે. આ દરમિયાન હાલના આ બેઠકના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ દ્વારા ભાજપના ઉમેદવાર પર ગંભીર આરોપ લગાવાયા છે. તેમણે ચૂંટણી પંચને આ મામલે પત્ર લખીને કહ્યું છે. ભાજપના સમર્થનમાં ના હોય તેવા બુટલેગરોની યાદી તૈયાર કરીને જલદી મોકલવાનું કહેવાયું છે. આ પત્ર પરથી પ્રસ્થાપિત થાય છે કે ભાજપ બુટલેગરો અને અસામાજિકક તત્વોનો સાથ લઈને ચૂંટણી જીતવા ષડયંત્ર રચવાના પ્રયાસ કરી રહ્યું છે.
પોલીસ કમિશનરને રજૂઆત કરી પણ…: કોંગ્રેસ નેતા
તેમણે લખ્યું છે કે, દરિયાપુરને બે દાયકા પહેલા અતિસંવેદનશીલ વિસ્તાર તરીકે ગણના થતી હતી. અહીં જોકે છેલ્લા 25 વર્ષથી સમજુ નાગરિકોના પરિણામે શાંતિ અને સલામતી પ્રવર્તી છે. રાજકીય કારણોસર દરિયાપુરની શાંતિ-સલામતીને હાની ના પહોંચે અને નિર્દોષ નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તેની ચુસ્ત તકેદારી રાખવા મારી માગણી છે. આ બેઠક પર મારી જીત ભાજપના સ્થાનિક આગેવાનોને ખુંચે છે. તેઓ દ્વારા ભાઈચારા અને શાંતિથી રહેવા માગતા નિર્દોષ નાગરિકોને હેરાન પરેશાન કરવા અસામાજિક તત્વોને હાથો બનાવીને અશાંતિ ફેલાવવામાં આવી રહી હોવાની રજૂઆત અનેક વખત તત્કાલિન પોલીસ કમિશનરને મેં કરી હતી. જોકે છતાં અશાંતિ ફેલાવનારા કાવતરા યથાવત રહેતા મેં ગુજરાત વિધાનસભામાં આવા તત્વો સામે નામજોગ રજૂઆત કરી હતી. જે પછી કૌશિક જૈન સામે નાગોરીવાડના રાયોટિંગના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
MLAએ દરિયાપુર બેઠકમાં સુરક્ષા જવાનોનો વધારો માગ્યો
તેમણે ઉમેર્યું છે કે, હવે દરિયાપુર બેઠક પર ભાજપના ઉમેદવારની જાહેરાત કરવામાં આવતા જ અસામાજિક તત્વોએ લોકોને ખુલ્લેઆમ ધમકીઓ આપવાની શરૂ કરી દીધી છે. આધારભૂત અત્યંત ગંભીર માહિતી મુજબ ભાજપ સમર્થિત કટ્ટરવાદી સંગઠનના લોકો ઉશ્કેરણી કરી અશાંતિ ફેલાવવાના પ્રયત્નો કરશે. લોકશાહી ઢબે શાંતિ-સૌહાર્દના વાતાવરણમાં ચૂંટણી સંપન્ન કરવા ભાજપ, કોંગ્રેસ તથા અન્ય રાજકીય પક્ષોની ગતિવિધિ પર આઈબી દ્વારા વોચ રાખવામાં આવે. તમામ લાયસન્સધારકોના હથિયાર જમા લેવામાં આવે. સ્થાનિક રાજ્યની પોલીસ સહિત કેન્દ્ર અંતર્ગત આવતી રેપીડ એક્શન ફોર્સ તેમજ સીઆઈએસએફ જેવી નિષ્પક્ષ જવાનોની ટીમ વીડિયોગ્રાફી સાથે દરિયાપુર બેઠકના વિસ્તારમાં ખડકવામાં આવે તે જરૂરી છે અને સાથે જ દરિયાપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા સહિત સુસજ્જ રીતે સર્વેલન્સ થાય તેવી મારી માગણી છે.
ADVERTISEMENT