જૂનાગઢ બાદ હવે અમરેલીમાં મેઘતાંડવ, બાબરાના ઉટવડ ગામમાં આભ ફાટ્યું, 1 કલાકમાં 8-10 ઈંચ વરસાદ
હિરેન રવિયા/અમરેલી: જૂનાગઢમાં શનિવારે મેઘરાજાએ સર્જેલા મેઘતાંડવ બાદ આજે સવારથી અમરેલી જિલ્લામાં પણ મેઘાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. અમરેલી-બાબરા શહેરમાં ભારે વરસાદબાદ ઠેર-ઠેર પાણી-પાણી…
ADVERTISEMENT
હિરેન રવિયા/અમરેલી: જૂનાગઢમાં શનિવારે મેઘરાજાએ સર્જેલા મેઘતાંડવ બાદ આજે સવારથી અમરેલી જિલ્લામાં પણ મેઘાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. અમરેલી-બાબરા શહેરમાં ભારે વરસાદબાદ ઠેર-ઠેર પાણી-પાણી થઈ ગયું છે. બાબરાના શિવાજી ચોક વિસ્તારમાં કાળુભાર નદીના પાણી ભરાઈ ગયા છે. તો ઉટવડ ગામમાં એક કલાકમાં જ 8થી 10 ઈંચ વરસાદ ખાબકતા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું, લોકોના ઘરો પણ પાણીમાં ડૂબી ગયા હતા.
અમરેલી જિલ્લામાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી, ચરખા, ઉંટવડ, પાનસડા, ગમાપીપળીયા, કુવરગઢ, વાવડી, વલારડી, દરેડ, કરીયાણા ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. તેમાં પણ ચમારડી અને ચરખા તેમજ ઉટવડ ગામે આકાશી આફત વરસી હતી. ઉટવડમાં 1 કલાકમાં 8થી 10 ઈંચ વરસાદ પડતા આભ ફાટવા જેવા દ્રશ્યો સર્જાયા હતા.
ચમારડી ગામે વહેલી સવારથી ભારે વરસાદના કારણે ગામની તમામ નદીઓ ભયજનક સપાટી પર વહેતી થઈ હતી. ચમારડીથી ચરખા ગામને જોડતા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા હતા. ચરખા ગામે પણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ગામના નદીના પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા હતા. તો બાબરા શહેરમાં ભારે વરસાદના પગલે કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ હતી. બાબરા શહેરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોએ નાહવાની મજા માણી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT