અમદાવાદની LG હોસ્પિટલમાં ડિલિવરી બાદ બક્ષીસ ન મળતા સ્ટાફે મહિલાને નિર્વસ્ત્ર કરીને છોડી દીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરની LG હોસ્પિટલમાં સ્ટાફની માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે. સરકારી અને મ્યુનિ. હોસ્પિટલોમાં પ્રસુતાની વિનામૂલ્યે સારવાર કરાય છે, ત્યારે એલ.જી હોસ્પિટલમાં કેટલાક કામદારે પ્રસુતિ બાદ મહિલાના પરિવાર પાસે બક્ષિસની માગણી કરી હતી. જે ન મળતા મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં જ બેડ પર છોડી દીધી હતી. સમગ્ર મામલો સામે આવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને 6 કામદારને સસ્પેન્ડ કરી દીધા છે.

ગોમતીપુરની સગર્ભા સાથે એલ.જીના સ્ટાફનો દુર્વ્યવહાર
વિગતો મુજબ, ગોમતીપુરની સગર્ભાને 30મી એપ્રિલે પ્રસુતિની પીડા ઉપડતા ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાદમાં તેને એલ.જી હોસ્પિટલ ખસેડાઈ હતી. મહિલાની પ્રથમ ડિલિવરી સીઝેરિયનથી થઈ હોવાથી તબીબોએ બીજી ડિલિવરી પણ સીઝેરીયનથી કરવા જણાવ્યું હતું. પરિવાર રાજી થતા મહિલાને ઓપરેશન રૂમમાં લઈ જવાઈ હતી. પરિવાર બહાર રાહ જોઈ રહ્યો હતો ત્યારે જ 3 કામદારોએ ત્યાં આવીને દીકરો આવે કે દીકરી બક્ષિસ તો આપવી જ પડશે તેમ કહ્યું હતું.

પરિવાર પાસે રૂ.2000ની બક્ષિસની માગણી કરી
મહિલાની સાસુ પાસે તે સમયે માત્ર રૂ.100 હતા જે લઈને બીજા 2000 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. મહિલાને ડિલિવરી વોર્ડમાં લઈ જવાતા ફરી 7-8 કામદારોએ બક્ષિસની માગણી કરી હતી. જોકે પરિવારે જણાવ્યું કે રાત્રે આવ્યા હોવાથી સવારે પૈસા આપવાનું કહ્યું હતું. જોકે બક્ષિસ ન મળતા કામદારોએ હોસ્પિટલના કપડા તરત ઉતારવા કહી દીધું. મહિલા સાથે તેના વૃદ્ધ સાસુ એકલા હોવાથી તેમણે કામદારોને કપડા કાઢી બીજા પહેરાવવા કહ્યું હતું. પરંતુ કામદારોએ કપડા કાઢીને મહિલાને આંતરવસ્ત્રો સાથે જ બેડ પર છોડી દીધી અને ત્યાંથી જતા રહ્યા.

ADVERTISEMENT

ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે 6 કામદારને સસ્પેન્ડ કર્યા
આમ સમગ્ર મામલે પરિવારની ફરિયાદ બાદ ડે. મ્યુનિ. કમિશનરે 6 કામદારને સસ્પેન્ડ કરી દીધા હતા. નોંધનીય છે કે, એલ.જી હોસ્પિટલમાં આ રીતે લોકો પાસેથી બક્ષિસના નામે પૈસાની જબરજસ્તી વસૂલી થતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે કામદારોને સસ્પેન્ડ કરવાના પગલા બાદ સ્ટાફનો વ્યવહાર બદલાશે કે નહીં તે ખાસ જોવાનું રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT