સુરતમાં એક જ આંગણે પિતા વિનાની 75 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા, મહેશ સવાણીએ કર્યું કન્યાદાન
Surat News: સુરતની ભૂમિ દાનવીર કર્ણની ભૂમિ કહેવાય છે,સુરતમાં સમાજસેવા માટે દાનવીર કર્ણ જેવા અનેક દાનવીરો સેવા કાર્યકર્તા રહે છે. પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવનાર…
ADVERTISEMENT
Surat News: સુરતની ભૂમિ દાનવીર કર્ણની ભૂમિ કહેવાય છે,સુરતમાં સમાજસેવા માટે દાનવીર કર્ણ જેવા અનેક દાનવીરો સેવા કાર્યકર્તા રહે છે. પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવનાર એવા જ સુરતના દાનવીર મહેશભાઈ સવાણી પણ છે. મહેશ સવાણીના પી.પી સવાણી ગ્રુપ દ્વારા ફરીથી સુરતમાં ‘માવતર’ના નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં 75 દીકરીઓએ એક જ આંગણે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓએ પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પી.પી.સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી. અત્યાર સુધી લગભગ 5000 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું.
લગ્નમાં સી.આર પાટીલ પણ હાજર રહ્યા
સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીના અધ્યક્ષ સ્થાને પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ઢોલ ઢબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સાંસદ સી.આર.પાટીલ, ગુજરાત રાજ્યના મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરિયા, મુકેશ પટેલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશ માવાણી, એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના એમ.એસ.બિટ્ટા સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
પિતા બનીને મહેશ સવાણીએ ઉઠાવી જવાબદારી
મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે છે અને અમે એ જ નિભાવીએ છીએ. મારી હયાતીમાં અને મારા પછી પણ આ દીકરીઓની ચિંતા સવાણી પરિવાર કરશે. સમાજના વિવિધ વર્ગ અને જ્ઞાતિની નિરાધાર દીકરીઓના આધાર બનવાનું એક આગવું અને ઉદાહરણીય કાર્ય છે.
નેપાળનું યુગલ પણ લગ્નના બંધનમાં બંધાયું
ગુજરાત, ઓડિશા અને ઉત્તર પ્રદેશની દીકરીઓએ સાથે આ સમૂહલગ્નમાં ભારતના પાડોશી દેશ નેપાળના એક યુગલે પણ નવજીવનની શરૂઆત કરી હતી. ક્ષત્રિય રિચા અને રોકાઈ પિર્થુપ નામના યુગલે પી.પી સવાણીના માવતરના માંડવે પોતાની વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. અહીંથી નવજીવનની શરૂઆત કરવા માટે બંનેએ ખુશી વ્યકત કરી હતી. આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા-પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
25,000 લોકોએ અંગદાનના શપથ લીધા
જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સુરતમાં છેલ્લા બે વર્ષથી અંગદાન અને જાગૃતિ માટે કાર્ય કરે છે.સમૂહલગ્નના માંડવે પ્રસંગને માણવા આવેલા મુખ્ય મહેમાનો સહિત 25,000 થી વધુ લોકોએ જીવનદીપ ફાઉન્ડેશન સાથે અંગદાનના શપથ લીધા હતા.આ ફાઉન્ડેશનના માધ્યમની અત્યાર સુધીમાં લાખો લોકો અંગદાનના શપથ લઈ ચૂક્યા છે.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT