Ahmedabad News: અમદાવાદના શેલામાં વૈભવી ફ્લેટમાં ગાંજાની ખેતી, ઘરમાં જ ગ્રીન હાઉસ બનાવી 100થી વધુ કુંડામાં ગાંજા ઉગાડ્યો
Ahmedabad News: અમદાવાદમાં યુનિવર્સિટી, રિવરફ્રન્ટ બાદ હવે ફ્લેટમાંથી ગાંજાનું વાવેતર મળી આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના શેલા વિસ્તારમાં હાઈ પ્રોફાઈલ ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનું…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદમાં યુનિવર્સિટી, રિવરફ્રન્ટ બાદ હવે ફ્લેટમાંથી ગાંજાનું વાવેતર મળી આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના શેલા વિસ્તારમાં હાઈ પ્રોફાઈલ ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થતું હોવાનું સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. ગાંજાના વાવેતર માટે ફ્લેટ ભાડે રાખીને અંદર રૂમ ટેમ્પરેચરમાં ગાંજો ઉગાડાતો હતો, જેના છોડ મળી આવ્યા છે.
બે યુવક-યુવતીએ ફ્લેટમાં ગાંજાની ખેતી કરી
વિગતો મુજબ શેલા એપલવૂડમાં આવેલા ઓર્કિડ લિગસીમાં D 1501 અને 1502 નંબરના 2 વૈભવી ફ્લેટ ભાડે રાખીને અંદર ગ્રીન હાઉસમાં ગાંજાની હાઈપ્રોફાઈલ ખેતી થતી હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસે 2 યુવક અને એક યુવતી સહિત ફ્લેટમાંથી ગાંજાના છોડના 100થી વધુ કૂંડા જપ્ત કરી લીધા છે. ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારની ખેતી થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં રવિ મુસરકા, વિરેન મોદી અને રિતિકા પ્રસાદ નામના લોકોની ધરપકડ થઈ છે.
બે ફ્લેટ રૂ.35 હજારના ભાડે રાખ્યા
ત્રણેયે રૂ.35 હજારના ભાડે 2 ફ્લેટ રાખ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી ફ્લેટમાં મોટા પાર્સલ આવતા હતા, જેથી લોકોને શંકા જતા પોલીસને જાણ કરી હતી. જે બાદ સરખેજ પોલીસે રવિવારે દરોડા પાડતા હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો, જેના માટે ફ્લેટમાં ગ્રીન હાઉસ બનાવાયું હતું અને અંદર ટેમ્પરેચર પણ મેઈન્ટેન થાય તે પ્રકારની ગોઠવણ હતી. 100 જેટલા કુંડામાં ગાંજાના 5 સી.મી જેટલા ઊંચા છોડ હતા.
ADVERTISEMENT
સામાન્ય ગાંજાથી 100 ગણી વધુ અસર કરે તેવો ગાંજો
હાલમાં પોલીસે ત્રણેય યુવક-યુવતી ગાંજાના બીજ ક્યાંથી લાવ્યા અને ગાંજાની ખેતી કરતા કેવી રીતે શીખ્યા તે મામલે પૂછપરછ કરી રહી છે. પોલીસ મુજબ, આ ગાંજાની ખેતી વિદેશમાં થાય છે. ફ્લેટમાંથી મળેલો આ ગાંજો સામાન્ય ગાંજાથી 100 ગણી વધારે અસર કરે તેવો હતો. સાથે જ તેના ભાવ પણ લોકલ ગાંજાથી ખૂબ વધારે હતો.
ADVERTISEMENT