દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરા સહિત દેશભરમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે લગ્ન પ્રસંગમાં વર-વધુને મળતી ભેટ-સોગાદો પર તસ્કરોની નજર છે. વડોદરામાં આયોજિત લગ્ન પ્રસંગમાં વર-વધુને મળેલી ભેટ-સોગાદ ભરેલો થેલો ગાયબ થતા પરિજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ અંગે સીસીટીવી ચેક કરવામાં આવતા અંદાજે 13 વર્ષની ઉંમરનો બાળ તસ્કર કિંમતી સામાન ભરેલો થેલો લઇને જતો જોવા મળ્યો હતો. આ અંગે પરિવારના મોભીએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
પાર્ટી પ્લોટમાંથી 1.50 લાખનો સામાન ચોરી
હરણી પોલીસ મથકમાં મદનમોહન શર્માએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શ્રેણીક પાર્કમાં રહે છે અને રણોલી જીઆઇડીસીમાં પ્લાસ્ટીકની ફેક્ટરી ધરાવે છે. 9 ફેબ્રુઆરીના રોજ તેમના દિકરાના લગ્ન પ્રસંગ હતા. આ પ્રસંગ હરણી મોટનાથ રોડ પર આવેલા નક્ષત્ર પાર્ટી પ્લોટમાં આયોજિત કરવામાં આવ્યા હતા. નિમંત્રીત મહેમાનો મોટી સંખ્યામાં પાર્ટી પ્લોટમાં હાજર હતા. મહેમાનો વર-વધુને આશીર્વાદ આપવાની સાથે ભેટ-સોગાદો પણ આપતા હતા. આ બધી સોગાદોને એક બેગમાં મુકવામાં આવી હતી.
12 વર્ષનો ટેણિયો બેગ લઈને જતા દેખાયો
પ્રસંગ બાદ આ બેગ ગાયબ થયાનું ધ્યાને આવતા તમામ દોડતા થયા હતા. અને બેગની ભાળ મેળવવા માટે પાર્ટી પ્લોટના સીસીટીવી તપાસ્યા હતા. તેવામાં ધ્યાને આવ્યું કે, પ્રસંગ દરમિયાન 10-15 કલાકે આશરે 12 વર્ષની ઉંમરનો બાળક મહેમાનો દ્વારા વર-વધુને આપવામાં આવેલી ભેટ-સોગાદો ભરેલી બેગ લઇને પાર્ટી પ્લોટની બહાર નિકળતો દેખાયો હતો. આ થેલામાં કવર મળીને અંદાજીત રૂ. 1.50 લાખનો સામાન થયો હોવાનું અનુમાન છે. સમગ્ર મામલે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી છે. અને બાળ તસ્કરની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
