અમદાવાદ: ગુજરાતમાં વધુ એક ડ્રગ્સ (Drugs) ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે મધ દરિયે મોટું જોઈન્ટ ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાતના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી રૂ.200 કરોડની કિમતનું 40 કિલો હેરોઈન જપ્ત થયું છે. આ સાથે જ 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી છે.
ADVERTISEMENT
પાકિસ્તાની બોટમાંથી હેરોઈન જપ્ત કરાયું
વિગતો મુજબ, ગુજરાતના દરિયાકાંઠેથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્લાન કરી રહેલા પાકિસ્તાનના ષડયંત્ર પર ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે પાણી ફેરવી દીધું. પાકિસ્તાની ક્રૂ મેમ્બર સાથે 40 કિલો હેરોઈન લઈને આવતી બોટ પકડાઈ છે. હાલમાં વધુ પૂછપરછ માટે બોટને જખૌ બંદરે લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ ડ્રગ્સ પંજાબની જેલમાં બંધ નાઈજીરિયન ગેંગ દ્વારા મગાવવામાં આવ્યું હતું. આ સાથે જ જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડાયું
ગુજરાતના દરિયાકાંઠેથી અત્યાર સુધીમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. જેને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ઘેરવામાં આવી રહી છે. હાલમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી 6500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે જ તેમણે ડ્રગ્સ મુદ્દે રાજકારણ ન કરવા પાર્ટીઓને કહ્યું હતું અને ગુજરાત પોલીસની પીઠ થબથબાવી હતી.
ADVERTISEMENT
