Surat News: સુરતના સચિન જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં મંગળવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં કંપનીમાં કામ કરતા 7 કર્મચારીઓ ગુમ થઈ ગયા હતા. જે અંગેની સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે ગુમ થયેલા આ 7 કર્મચારીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે, એથર કેમિકલ કંપનીમાંથી લાપતા થયેલા 7 કર્મચારીઓઓના કંકાલ મળી આવ્યા છે. જેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં જ અધિકારી કેમિકલ કંપની ખાતે દોડી આવ્યા છે.
ADVERTISEMENT
મંગળવારે રાત્રે લાગી હતી ભીષણ આગ
સુરત સચિન જીઆઈડીસીમાં રોડ નંબર 8 પર આવેલી એથર કેમિકલ કંપનીમાં મંગળવારે રાત્રે 2 વાગ્યે સ્ટોરેજ ટેન્કમાં રાખેલા કેમિકલમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરનો મેજર કોલ જાહેર થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. ફાયરની એક ડઝન જેટલી ગાડીઓ આગ બુજાવવામાં લાગી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે, આગમાં 27 જેટલા કામદારો દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળી આવ્યા 7 માનવ કંકાલ
જ્યારે 7 કર્મચારીઓ લાપતા થઈ ગયા હતા. જેની કંપનીના મેનેજરે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાણવાજોગ અરજી કરી હતી. કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ દરમિયાન ગુમ થયેલા કર્મચારીઓમાં દિવ્યેશ કુમાર પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનત કુમાર મિશ્રા, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનીલ કુમાર અને અભિષેક સિંહનો સમાવેશ થાય છે. ત્યારે આ 7 કર્મચારીઓના હાડપિંજર મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
8થી વધું કામદારોની હાલત ગંભીર
હાલ તમામ મૃતદેહોને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાજી જતાં હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. કામદારો 70થી 100 ટકા સુધી દાજી જતા જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. મામલતદાર, જીપીસીબી, પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ માટે પહોંચ્યો છે.
ADVERTISEMENT
