દર્શન ઠક્કર/જામનગર: જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની બે સપ્તાહની ડ્રાઇવ શરૂ કરી હતી. રખડતા ઢોરને પકડીને ઢોરને ડબ્બે રાખવામાં આવ્યા હતા. જોકે હવે ઢોરના ડબ્બે દૈનિક ચારથી પાંચ ગાયના મોત થતા હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે. ત્યારે રખડતા ઢોરની સમસ્યા લોકો અને તંત્ર બંને માટે માથાના દુ:ખાવા સમાન બની રહી છે.
ADVERTISEMENT
મનપા દ્વારા પકડાતા પશુઓના મોત
જામનગર મહાનગરપાલિકા સંચાલિત દડિયા ગામમાં આવેલા ઢોરના ડબ્બામાં દરરોજ ચારથી પાંચ પશુઓના મોત નિપજવાની ઘટના અવિરત બનતી રહે છે. મોત પાછળ પશુઓને મળતો અપૂરતો ચારો, પાણી, સાફ સફાઈનો અભાવ અને તબીબી સારવાર ન મળવાને કારણે પશુઓના મોત નિપજે છે.
સરપંચ અને ગ્રામજનોએ ઉચ્ચારી ચીમકી
દડિયા ગામના સરપંચ રાજેશભાઈ લખીયર દ્વારા હાલમાં પવિત્ર પરષોતમ મહિનો ચાલી રહ્યો છે ત્યારે અબોલ પશુઓના મોત નિપજવાની ઘટનાઓ દુ:ખદ હોવાથી મ્યુનિસીપલ કમિશનર બી.એન. મોદીને લેખિતમાં રજૂઆત કરી છે. સાથે જ સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સરપંચ અને ગ્રામજનો દ્વારા ઢોરના ડબ્બામાં રહેલા તમામ પશુઓને તાળા તોડીને મુકત કરી દેવામાં આવશે તેવી ચિમકી આપી હતી.
ADVERTISEMENT
