‘અમારા બેન પાછા લાવો નકર ધમાલ થશે…’ મહેમદાવાદમાં આચાર્યનું ટ્રાન્સફર થતા વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/મહેમદાવાદ: વિરોધ પ્રદર્શન કરતા તો તમે અનેકો લોકોને જોયા હશે, પરંતુ વિરોધ પ્રદર્શન કરતા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ… આ સાંભળીને જ નવાઈ લાગે. પણ આ બન્યું છે, ખેડા જિલ્લાના મહેમદાવાદમાં જ્યાં વિરોધ પ્રદર્શન કરતા બાળકો તમે પહેલી વાર જોશો. બાળકો પોતાની માંગ પૂરી કરવા માટે વિરોધ પ્રદર્શન કરવા માટે મહેમદાવાદના તાલુકા પંચાયત કચેરી પર પહોંચ્યા હતા. અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ એ હલ્લાબોલ કર્યો હતો. કારણ હતું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલની આંતરિક બદલી જે કરવામાં આવી છે તે રદ કરવામાં આવે…હલ્લાબોલ એટલો ઉગ્ર હતો કે ના છૂટકે પોલીસને પણ બાળકોને સમજાવવા માટે પહોંચવું પડ્યું હતું.

મહિલા પ્રિન્સિપાલના પ્રયાસોને કારણે છોકરીઓ ભણતી થઈ
ખેડા જિલ્લાના મહેમદાવાદના માધવપુરાના ટેકરિયા વિસ્તારમાં ધોરણ 1 થી 8 ની માધવપુરા પ્રાથમિક શાળા આવેલી છે. માધવપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી એચટાટ આચાર્ય અર્ચનાબેન ગોહિલ ફરજ બજાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આચાર્ય અર્ચનાબેનના આવવાથી બાળકોમાં ભણતર પ્રત્યે લગાવ થયો છે. રોજ બાળકો સ્કૂલે જતાં થયા છે. એટલુ જ નહિ જે દીકરીઓ 5માં ધોરણ પછી સ્કૂલમાં નથી ગઈ તે દીકરીઓ પણ હવે સ્કૂલમાં જતી થઈ છે. અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈને ભણતા થતાં વાલીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળતો હતો કે હવે તેમના બાળકો નું ભણતર પૂરું થશે. પરંતુ એકાએક આ પ્રાથમિક શાળાના એચટાટ આચાર્ય અર્ચનાબેન ગોહિલની જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આંતરિક બદલી કરવામાં આવતા સ્કૂલમાં બાળકો સહિત તેમના વાલીઓ રોષે ભરાયાં અને આચાર્યની બદલી રોકવા માટે મહેમદાવાદ તાલુકા પંચાયત કચેરી પર પોહચી હલ્લાબોલ કર્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

તાલુકા પંચાયત કચેરી બહાર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન
મહેમદાવાદ તાલુકા પંચાયત કચેરીમાં 100 જેટલા નાના વિદ્યાર્થીઓ અને 50 જેટલા તેમના વાલીઓએ ‘પાછા લાવો પાછા લાવો … અમારા બેનને પાછા લાવો’ના નારા લાગવાનું શરૂ કરી દીધું. જોતજોતામાં હલ્લાબોલ એટલો ઉગ્ર બન્યો કે નાના વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને સમજાવવા માટે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. સાથે જ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલના બોર્ડ પર તથા દીવાલો પર એક લખાણ લખવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ” ગમે તેમ થાય પણ અમારા બેન પાછા લાવો નકર ધમાલ થશે… અમારા બેનને પાછા લાવો’.

વાલીઓએ પણ બાળકો સાથે ટ્રાન્સફરનો વિરોધ કર્યો
આ અંગે વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું કે, “જ્યારથી આ બેન સ્કૂલમાં આવ્યા છે ત્યાંરથી સ્કૂલનો વહીવટ સારો થયો છે. બાળકો રોજ સ્કૂલે જતા થયા છે. ભણતા થયા છે. આ શિક્ષક રોજ બાળકો સ્કૂલે આવે તેનું ધ્યાન રાખે છે. અને જો ના આવે તો ઘેર જઈને પણ બાળકોને સ્કૂલમાં લઈ આવે છે. અમારે 5માં ધોરણ પછી કેટલીય દીકરીઓ સ્કૂલમાં જતી નથી. પરંતુ આ બેનના આવવાથી 5 માં ધોરણની આગળ દીકરીઓ ભણતી થઈ છે. અને પોતાના બાળકોની જેમ બધા વિદ્યાર્થીઓને ભણાવે છે. એટલે અમારે આ જ બેન જોઈએ છે. સ્કૂલનો સારો વહીવટ થાય છે, બાળકો ભણે છે, તો પછી કેમ એકાએક બદલી કરવામાં આવી. જો આ બદલી નહીં રોકાય તો બાળકોને સ્કૂલમાં મોકલીશું નહિ.”

ADVERTISEMENT

ADVERTISEMENT

મહિલા આચાર્યનું શું કહેવું છે?
માધવપુરા પ્રાથમિક શાળાના એચટાટ આચાર્ય અર્ચનાબેન ગોહિલ જણાવી રહ્યા છે કે, “હું માધવપુરા પ્રાથમિક શાળામાં એચટાટ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવું છું. આમાં બન્યું છે એવું કે 2019 માં એક ઠરાવ થયો કે જે શાળાની અંદર 250 થી ઓછી સંખ્યા હોય ત્યાં એચટાટ મુખ્ય શિક્ષકોને મૂક્યા છે, એ લોકોની બદલી કરવાની તાત્કાલિક ધોરણે. તો જે તે સમયે આચાર્ય તરીકે અમારી એવી માંગ હતી કે, અમારી જ્યારે ભરતી થઈ ત્યારે આવા કોઈ નિયમો ન હતા. તો તાત્કાલિક આવા નિયમ બનાવીને અમારી બદલી કરવાનો શું કારણ છે એ અમે સમજી શકતા નહોતા. જે તે સમયે પરાણે અમને ત્યાંથી ઉઠાવીને આ વિસ્તારમાં મોકલ્યા. માધવપુરા પ્રાથમિક શાળામાં 20-1-2020 ના રોજ હાજર થઈ છુ. અને પછી અહીની પરિસ્થિતિને અમે અપનાવી. અહીંનો જે આખો સમાજ છે એ દેવીપુજક સમાજ છે. અહીંના બાળકો લગભગ 6 થી 8 નું શિક્ષણ મેળવવા માટે તો તૈયાર જ નહોતા. એક થી પાંચ ધોરણ ભણે અને પછી છઠ્ઠા ધોરણમાં આવે એટલે જે કન્યાઓ છે, એ નાના બાળકોને સાચવવા ઘરે રે. અને જે છોકરાઓ છે એમના મા બાપ ફેરી કરવા જાય છે તો તેની અંદર તેમને મદદ કરવા માટે જાય છે. આ રીતે અહીનુ ગુજરાન ચાલતુ હતુ.

તેમણે કહ્યું, છેલ્લા ત્રણ વર્ષથી મેં સતત પ્રયત્ન કર્યા છે અને ગ્રામજનોનો સંપર્ક કરીને બાળકોનું મન જીતીને અહીંયા મેં મારી જાત રેડીને કામ કર્યું છે. અને હંમેશા એવો જ પ્રયત્ન કર્યો છે કે આ બાળકો માટે અને આ સમાજ માટે મારે કંઈ કરવું છે. જે બદલી થઈ છે એમા મેં કતકપુરા પ્રાથમિક શાળામા પણ ઘણા વર્ષ સુધી નોકરી કરી છે. આઠ વર્ષ સુધીનો ગાળો મેં કતકપુરા પ્રાથમિક શાળામાં કામ કર્યું છે. ત્યાં પણ આ જ રીતે મેં કામ કર્યું છે. પણ અહીંના બાળકોને કતકપુરા કરતા મારી વધારે જરૂર છે. ત્યાંના બાળકોને મારે ખાલી આંગળી ચીંધવાની જરૂર છે. જ્યારે અહીંના બાળકોને મારે હાથ પકડીને ચલાવવા પડે છે. અત્યારે હાલમાં સવારે અમે ડીપીઓ સાહેબને જ્યારે જાણ થઈ કે આવી રીતના પરત મુકવાનો ડીપીઓ સાહેબનો ઓર્ડર આવ્યો છે. ત્યારે ડીપીઓ સાહેબને અમે મળવા માટે ગયા હતા. સાહેબનું એવું કહેવું છે કે હાઇકોર્ટનો આદેશ છે, એટલે આની અંદર અમે કોઈ કશું કરી શકીએ એમ નથી. બદલીને રોકવા માટેનો અમારા તરફથી કોઈ પ્રયત્ન નથી. પણ ગામ લોકોનો એટલો આગ્રહ છે કે, આ બેન અહીંથી ક્યાંય નહીં જાય. અને બેન જશે તો આ શાળાને બંધ કરી દેવામાં આવશે. જ્યાં સુધી હું આ શાળામાં પાછી નહીં આવું ત્યાં સુધી આ લોકો બાળકોને શાળાએ ભણવા માટે નહીં મોકલે.”

    follow whatsapp

    ADVERTISEMENT