મોરબીઃ મોરબીમાં ઝુલતા પુલના તૂટી જવાની ઘટનામાં નદીમાં કેટલાય લોકોના જીવ ગયા. આ ઘટનામાં મોટી જાનહાનીને પગલે ગુજરાતના લોકો જેટલા દુખી થયા છે તેટલો મોરબીનો રાજવી પરિવાર પણ દુખી છે. રાજવી પરિવારે ગતરોજ બુધવારે જ એવી જાહેરાત કરી હતી કે મોરબીની જનતા અમારી છે અને અમે તેમના છીએ. આ ઉપરાંત તેમને મૃતકોના પરિવારને 1-1 લાખ રૂપિયા સહાય જાહેર કરી હતી. આજે ગુરુવારે મોરબીમાં મૃતકોને શોકસભા યોજાઈ હતી જેમાં તેઓ અને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા.
મોરબીની ઘટનામાં 135થી વધુ લોકો મોતને ભેટ્યા. પરિવારો વેર વિખેર થયા અને આંસુઓની ધારાઓથી ગુજરાત થરથરી ઉઠ્યું. રવિવારે સાંજે અચાનક બનેલી આ ઘટનામાં થયેલી મોટી જાનહાનીથી દેશ દુનિયામાં લોકો દુખી થયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. ઠેરઠેર મૃતકોના ન્યાયની માગણી માટે કેન્ડલમાર્ચ પણ યોજાઈ હતી. જેનાથી જેવી રીતે શ્રદ્ધાંજલિ આપી શકાય તે રીતે હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબીના રાજવી પરિવારે આ અંગે બુધવારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ 1-1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પણ જો કોઈ બીજી મદદ અમે કરી શકીએ તો તે માટે પણ લોકો તેમની સાથે વાત કરી શકે છે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આજે ગુરુવારે મોરબીમાં દરબારગઢ ખાતે શોકસભાનું આયોજન કરાયું હતું.
દિવંગત આત્માઓની શાંતિ માટે હવન પણ કરાયો
મોરબીના દરબારગઢમાં ગુરુવારે યોજાયેલી શોકસભામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબીના ઘણા નાગરિકો આવ્યા હતા. આ નાગરિકો વચ્ચે મોરબીનો રાજવી પરિવાર પણ આવ્યો હતો. મહારાણી રાજકુંવરીબા સાહેબ મીરાબાપાએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પુષ્પઅર્પણ કરીને આત્માની શાંતિ માટે પ્રાથના કરી હતી. આ ઉપરાંત દિવંગત આત્માઓની શાંતિ માટે હવન પણ કરવામાં આવ્યો હતો.
મોરબી દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોકસભામાં સામાન્ય નાગરિકો ઉપરાંત રાજવી પરિવાર પણ જોડાયો હતો.#MorbiBridgeCollapses #MorbiBridgeTragedy pic.twitter.com/5o4lE8WzIa
— Gujarat Tak (@GujaratTak) November 3, 2022
(વીથ ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)
2 Comments
Comments are closed.