કૌશિક જોશી.વાપીઃ વલસાડ જિલ્લાની વાપી GIDCમાં આજે મંગળવારે બપોરના સમયે એક કેમિકલ કંપનીમાં આગ લાગ્યા બાદ ધડાધડ બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક કંપનીમાં કોઈ કારણોસર આગ ફાટ્યા બાદ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસની અન્ય ત્રણ કંપનીઓમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ઊંચે સુધી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. હાલ ઘટના સ્થળ પર ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
PM મોદીની સુરક્ષામાં ખામીના મામલે સુપ્રીમ કોર્ટના જજની કમિતીએ 9 અધિકારીઓને દોષીત ઠેરવ્યા, ટુંકમાં કાર્યવાહી
કેમિકલ ભરેલા ડ્રમમાં બ્લાસ્ટ થયા
વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આવેલી વ્રજ કેમ કેમિકલ કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતાની સાથે કંપનીમાં મુકેલા કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થવા લાગ્યા હતા. ઘટનાની જાણ કંપનીના કામદારો અને સ્ટાફને થતા કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. કામદારોએ કંપનીમાં પાર્ક કરેલી સાયકલો અને વાહનો ખસેડવા લાગ્યા હતા. કંપનીમાં મુકેલા કેમિકલ ડ્રમમાં બ્લાસ્ટ થવા લાગતા આજુબાજુમાં આવેલી કંપનીઓમાં પણ આગ લાગી ગઈ હતી. કંપનીના સંચાલકો અને કામદારોએ વાપી GIDC અને નોટિફાઇડ ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ કરતા વાપી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થતા વાપી GIDC પોલીસ દ્વારા રસ્તો સામાન્ય લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
કેમિકલ કંપનીમાં લાગેલી આગ આસપાસમાં પણ ફેલાઈ
કેમિકલ કંપનીમાં આગ લાગ્યા બાદ એક પછી એક ધડાકા થતા નજીકમાં આવેલા ભંગારના ગોડાઉન અને અન્ય એક કંપનીમાં આગ પ્રસરી ગઈ હતી. વાપી GIDC અને નોટિફાઇડ ફાયર વિભગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વાપી GIDC પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈને વ્રજ કેમ કેમિકલ કંપનીની આજુબાજુમાં આવેલી કંપનીઓ ખાલી કરાવવામાં આવી હતી તમામ કામદારોને કંપની ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ આગ ક્યાં કારણોથી લાગી અને નુકસાનીનું કારણ જાણવા મળશે.