જામનગર : અંબાણી પરિવાર સામાન્ય રીતે દ્વારકા કે સોમનાથ ખાતે દર્શન કરવા માટે વારંવાર આવતો રહે છે. આ બંન્ને ખ્યાતિપ્રાપ્ત મંદિરો પર જ્યારે અંબાણી પરિવાર દર્શન કરવા માટે પહોંચે ત્યારે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જો કે જામનગરના પ્રસિદ્ધ બાલા હનુમાન ખાતે અનંત અંબાણી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અનંત અંબાણીએ હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તેમને ખેસ પહેરાવીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોમેન્ટો આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અનંત અંબાણીના આગમનને પગલે જામનગર એસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી ગયો હતો. આ ઉપરાંત આસપાસના વિસ્તારોને કોર્ડન કરીને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરમાં બાલા મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે. અહીં છેલ્લા 59 વર્ષથી અખંડ રામધુન ચાલી રહી છે. જામનગરના લોકો બાલા હનુમાનમાં ખુબ જ આસ્થા ધરાવે છે. અનંત અંબાણી પણ ખુબ જ આસ્તિક પ્રકૃતિના માનવામાં આવે છે. તેઓ અવાર નવાર સોમનાથ અને દ્વારકાના દર્શને જતા હોય છે. જો કે આજે અચાનક તેઓ બાલા હનુમાનજીના મંદિરે પણ દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
અનંત અંબાણી પોતાના 8-10 મિત્રો સાથે આવી પહોંચ્યા હતા. તે પોતાના મિત્રો સાથે હતા ત્યારે અચાનક એક મિત્રના મોઢે બાલા હનુમાનના વખાણ સાંભળીને તેઓએ દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરતા તત્કાલ આયોજન કરીને તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા.