ભાર્ગવી જોશી/ જૂનાગઢ: ધૂળેટીની રાત્રે જૂનાગઢ જિલ્લાના વથંલી તાલુકામાં આવેલા રવની ગામમાં લોહીયાળ ખેલ ખેલાયો છે. ગામમાં ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલ્લારાખાના પિતરાઈ ભાઈ સલીમ સાંઘની જાહેરમાં ગોળી મારીને ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો છે. હાલમાં તો પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યારાઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ખેતરેથી ઘરે જતા સમયે બુકાનીધારીઓએ હત્યા કરી
પ્રાપ્ત વિગતો મુજબ, રવની ગામમાં રહેતો સલીમ સાંઘ મોડી રાત્રે મિત્ર સાથે ખેતરથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બે બુકાની ધારી ઈસમોએ સલીમ સાંઘ સાથે બાઈક અથડાવીને તેને પાડી દીધો અને બાદમાં તેના પર ધડાધડ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. એકથી વધુ વખત ફાયરિંગ કર્યા બાદ બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. આ બાબતની જાણ થતા જ ગામ લોકો સ્થળ પર ભેગા થઈ ગયા હતા. ખાસ વાત છે કે સલીમ સાંઘ કુખ્યાત ગેંગસ્ટર અલ્લારખાનો પિતરાઈ ભાઈ હતો. જેને સોના અને ગાડીઓનો ખૂબ શોખ હતો.
અલ્લારખાનો ભાઈ હતી મૃતક સલીમ સાંઘ
ખાસ વાત છે કે અલ્લારખા હત્યા, ચોરી, લૂંટ અને ધાક ધમકી સહિતના ગુનાઓમાં સંડોવાયેલો હતો. તેના ગુનાહોની હદ વધતાં આખરે ATSની ચાર જાંબાઝ મહિલાઓએ બોટાદ પાસેના જંગલમાંથી તેને પકડી પાડયો હતો. હવે સલીમના હત્યારાઓને શોધવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પોલીસે ચારેતરફ નાકાબંધી કરી હત્યારાઓ ને પકડવા તજવીજ હાથ ધરી છે. તથા કયા કારણોસર સલીમની હત્યા થઈ અને હત્યારાઓ કોણ હતા એ જાણવા પોલીસ કમર કસી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…