ધનેશ પરમાર/બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે વહેલી સવારે હની હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી. આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનો પ્રાથમિક અનુમાન છે. જોકે આગ લાગતા જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો સાથે વહીવટી તંત્ર રાહત મદદમાં કામે લાગ્યું હતું અને ભારે જહેમત આ આગ પર કાબુ લેવાયો હતો. આ ખાનગી હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડનાં આઇસીયુ કેર યુનિટ સુધી આગ પ્રસરી હતી. જ્યાં કેટલાક બાળકો સારવાર લઈ રહ્યા હતા જેમાં ત્રણ જેટલા બાળકો આગની ચપેટમાં આવ્યા હતા.
કયા કારણે હોસ્પિટલમાં આગ લાગી?
આગના આ બનાવમાં એક બાળકનું દાજી જવાથી મોત થયું હતું. જ્યારે અન્ય બે બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે આ બંને બાળકો પણ ગંભીર રીતે દાજતા પ્રથમ તેમને શિહોરી અને તે બાદ બન્નેને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગની આ ઘટનાની પ્રાથમિક તપાસ કરતા આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું બહાર આવ્યું હતું. આ આગે વિકરાળ રૂપ ધારણ કરતા હોસ્પિટલમાં મોટું નુકસાન થયું છે. હોસ્પિટલના વીજ સંસાધનો અને મેડિકલ ઉપકરણો બળીને રાખ થયા છે. આ મામલે સ્થાનિક શિહોરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો હતા?
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલો-કોમર્શિયલ કોમ્પલેક્સ-ઇન્ડસ્ટ્રીઝમાં આગની દુર્ઘટનામાં થયેલા વધારા બાદ દુર્ઘટનાઓ પર અંકૂશ મેળવવા માટે સરકાર દ્વારા નવી ફાયર પોલિસી 2020 માં ઘડવામાં આવી છે. જેના ભાગરૂપે ફાયર સેફ્ટી માટે હવે ખાનગી કંપનીઓ પાસે ચકાસણી કરાવી શકાશે. જે મુજબ દરેક હાઇરાઇઝ્ડ બિલ્ડિંગ, વાણિજ્યિક સંકુલો, કોલેજ, હોસ્પિટલો અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવી ફરજિયાત છે. ત્યારે આ કેસમાં સબંધિત હોસ્પિટલમાં સરકારની ગાઇડલાઇન મુજબ ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવ્યા હતા અથવા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ? તેની તપાસ પણ જરૂરી બની છે.