અમદાવાદ : શહેરના થલતેજમાં સિમ્સ હોસ્પિટલ પાસે 3 દિવસ અગાઉ સવારના સમયે હિટ એન્ડ રનની દર્દનાક ઘટના બની હતી. આ ભયાનક હિટ એન્ડ રનની ઘટનામાં એક દંપત્તી ગંભીર રીતે ઘાયલ થયું હતું. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ બિલ્ડર પુત્ર સત્યમ શર્મા ડોઢ કિલોમીટર દુર ગાડી છોડીને ફરાર થઇ ગયો હતો. જો કે અકસ્માત બાદ સમગ્ર મામલો ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવ્યો હતો. અકસ્માત બાદ 3 દિવસથી ફરાર આરોપી સત્યમ શર્માને ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે રાજસ્થાનથી ઝડપી લીધો છે.
સત્યમ શર્મા ઓવરસ્પિડ ડ્રાઇવિંગનો શોખીન છે
સ્પીડનો શોખીન એવો સત્યમ શર્મા અગાઉ પણ પોતાની ઓવર સ્પિડિંગના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચુક્યો છે. અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા જ પોતાની વૈભવી કાર BMW દ્વારા અકસ્માત સર્જીને નાસી છુટ્યો હતો. કાર ચાલક સત્યમ શર્મા અકસ્માત બાદ પરિવાર સાથે વાતચીત બાદ ફરાર થઇ ગયો હતો. જેના પગલે પોલીસ દ્વારા સત્યમના ઘર અને મિત્રોના ઘરે પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે તે ઝડપાયો નહોતો. જેથી આખરે સમગ્ર તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચને સત્યમ અંગે ગુપ્ત માહિતી મળતા રાજસ્થાનથી સત્યમ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે. ક્રાઇમબ્રાંચની ટીમ રાજસ્થાનથી સત્યમને લઇને રવાના થઇ હતી.
દારૂ પીને જ દુર્ઘટના સર્જી પછી રાજસ્થાન ભાગી ગયો હતો
આરોપી સત્યમ શર્મા 1 માર્ચે BMW કારમાં તેના મિત્ર મહાવીર સાથે દારૂપાર્ટી કર્યા બાદ નિકળ્યો હતો. ત્યાર બાદ ગાડીમાં બેસીને ચિક્કાર ઈંગ્લીશ દારૂ પીધો હતો. દારૂના નશામાં જ તે ગાડી ચલાવી પણ રહ્યો હતો. ત્યારે રાત્રે 9-45 વાગ્યે સોલા રેલવે ઓવરબ્રિજ પર ચાલતા જઈ રહેલા એક દંપતીને ગાડીથી ટક્કર મારી હતી. જો કે અકસ્માત સર્જાયા બાદ તે ગભરાઇ ગયો હતો. જેથી ગાડી લઇને તે ડોઢ કિલોમીટર સુધી આગળ જતો રહ્યો હતો. જો કે કેટલાક લોકો સતત તેનો પીછો કરી રહ્યા હતા. જેથી તે સોલાના નીલગીરી એપાર્ટમેન્ટ પાસે આવેલી એક અવાવરું જગ્યા પર ગાડી મુકીને ફરાર થઇ ગયો હતો. પોલીસ પકડે નહી તે માટે તે ત્યાંથી જ રાજસ્થાન ફરાર થઇ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, સત્યમ શર્મા વિરુદ્ધ અગાઉ પણ કેસ થયેલો છે. તોડફોડ કરવા બદલ ગત ડિસેમ્બરમાં સોલા પોલીસ સ્ટેશનમાં તે ઝડપાઇ ચુક્યો છે, ત્યારે પણ તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.