ભાવનગર : જિલ્લાના સિહોર તાલુકામાં આવેલ મોટા સુરકા ગામે સગીરાએ ગામના આવારા તત્વોના ત્રાસથી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. જો કે પરિવારે પોલીસ પર કાર્યવાહી નહી કરવાનો આરોપ લગાવતા મુદ્દો વિવાદિત બન્યો હતો. પોલીસે આત્મહત્યા કેસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરકા ગામના આવારા તત્વોએ સગીરાને વારંવાર શારીરિક સંબંધ બાંધવા તેમજ માનસિક ત્રાસ આપતા હતા. જેથી દસ દિવસ પહેલા સગીરાએ પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ સફાળી જાગી અને વોન્ટેડ આરોપીને ઝડપી લીધા
પોલીસે તપાસમાં ચક્રો ગતિમાન કરી દસ દિવસથી વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા છે. સગીરાને મરવા મજબૂર કરનાર વિપુલ જોટાણા, હર્ષિલ જોટાણા અને મહેશ જોટાણાની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 માં અભ્યાસ કરતી મૃતક સગીરાને આરોપીઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી પરેશાન કરવામાં આવી હતી. જેનાથી કંટાળી સગીરાએ અંતિમ પગલું ભર્યું હતું.
બેજવાબદાર પોલીસ તંત્ર ક્યારે સુધરશે?
જો કે આત્મહત્યાના દસ દિવસથી પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો હતો. પરંતુ પોલીસ તંત્ર કોઇ મામલો મોટો ન થઇ જાય ત્યાં સુધી ફરિયાદ જેવી સામાન્ય બાબતે ધ્યાન આપતો નથી. લોકોના રોષને પગલે પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે. જો કે આ મુદ્દે જ્યાં સુધી હોબાળો ન થયો મીડિયા ન પહોંચ્યું ત્યા સુધી પોલીસ તંત્ર પોતાની ઓરિજનલ સ્ટાઇલમાં જ કામ કરી રહ્યું હતું. હોબાળો થતા રેન્જ આઇજી પોતે ઘટના સ્થળે પહોંચ્યા અને કડક કાર્યવાહીની બાંહેધરી બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું.