હિંદુ નામ રાખીને યુવતી પર દુષ્કર્મ, સુરતમાં 1 મહિનામાં 3 યુવતીઓને ભગાડી

અમદાવાદ : લવ જેહાદના કિસ્સામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ફસાવી લવ જેહાદનું ષડયંત્ર ચાલતું હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં…

અમદાવાદ : લવ જેહાદના કિસ્સામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ફસાવી લવ જેહાદનું ષડયંત્ર ચાલતું હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યા છે. જેના ગંભીર પરિણામો પણ સામે આવી ચુક્યા છે. જે પૈકી હાલમાં જ થયેલા શ્રદ્ધા મર્ડર કેસ તેનું તાજુ ઉદાહરણ છે.
મોરબીમાં વિધાર્મિ યુવકે હિન્દુ નામ ધારણ કરી સગીરાને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઇ છે. બીજી ઘટના સુરતના કતારગામમાં એક જ માસમાં ત્રણ યુવતીઓને વિધર્મી લોકો ભગાડી ગયાનું સામે આવ્યું છે. આશિફ ઉર્ફે અશોક મામદભાઈ મકરાણી (રહે. મકરાણીવાસ મોરબી)એ તે પાંચ વર્ષ પહેલા એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બંન્ને વચ્ચે વાતચીત થઇ હતી.

જો કે યુવકે પોતાનું નામ અશોક જણાવ્યું હતું. ધીરે ધીરે પરીચય ગાઢ થતા યુવકે ઇન્દિરાનગરમાં પોતાના ભાડાના મકાનમાં યુવતીને મળવા બોલાવી હતી. સામાન્ય વાતચીત બાદ શરીર સબંધ બાંધવા કહ્યું હતું ત્યારે તેને ના કહેતા આ શખ્સે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની પરિવારને જાણ થતાં અંતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી. હાલ તો પોલીસે આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

બીજી બાજુ સુરતના કતારગામ વિસ્તારમાં એક જ મહિનામાં ત્રણ યુવતીઓને વિધર્મીઓ ભગાડી ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે કતારગામ વિસ્તારમાં લવ જેહાદને લઈ વિરોધ કરાયો હતો. કતારગામમાં બાપા સીતારામ ચોક ખાતે લોકોએ એકઠા થઈ ઘટનાનો વિરોધ કર્યો હતો. લોકોએ સૂત્રોચ્ચાર અને બેનરો સાથે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ અંગે સરકાર અને તંત્ર જાગે તેવી માંગ કરી હતી.